નીટ યુજી અંગે સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ ? જુઓ
નીટ યુજી પેપર લીક પરીક્ષા સાથે સબંધિત 40થી વધુ અરજીઓ પર સુપ્રીમ કોર્ટે ગુરુવારે સુનાવણી કરી હતી. અદાલતે એવો આદેશ આપ્યો હતો કે પરીક્ષાના બધા જ પરિણામ શનિવાર 12 વાગ્યા સુધીમાં ઓનલાઈન જાહેર કરવામાં આવે. એનટીએને આ આદેશ આપતી વખતે કોર્ટે એમ પણ કહ્યું હતું કે કોઈ સ્ટુડન્ટની ઓળખ જાહેર થવી ના જોઈએ. સાથે પરીક્ષા કેન્દ્રની પણ પૂરી માહિતી જાહેર કરવાની રહેશે. હવે સમગ્ર પરિણામ વેબસાઇટ પર નાખવું પડશે.
આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ફરીવાર પરીક્ષાનું આયોજન કરાવવા પર એક શરત પણ રાખી હતી. . કોર્ટનું કહેવું છે કે, ‘ઠોસ આધાર’ પર એ સાબિત થવું જરૂરી છે કે પેપર લીકના કારણે આ પરીક્ષા પર મોટા પાયે અસર થઈ છે. અરજદારોના વકીલને કોર્ટે કહ્યું હતું કે વ્યાપક સ્તર પર પેપર લીક થયું હતું તેના પુરાવા આપો તો પરીક્ષા રદ કરવાનો આદેશ થઈ શકે.
સીજેઆઈ ચંદ્રચૂડે કહ્યું કે, માત્ર એટલા માટે કે, 23 લાખમાંથી માત્ર એક લાખને જ પ્રવેશ મળશે એ આધાર પર અમે ફરીવાર પરીક્ષાનું આયોજન કરાવવાનો આદેશ ન આપી શકીએ. ફરીવાર પરીક્ષા એ ઠોસ આધાર પર થવી જોઈએ કે, આખી પરીક્ષા જ પ્રભાવિત થઈ છે.
અરજદાર તરફથી હાજર રહેલા વકીલ નરેન્દ્ર હુડ્ડાને કહ્યું કે, એ સાબિત થવું જોઈએ કે, પેપર લીક એટલું વ્યવસ્થિત હતું અને તેણે આખી પરીક્ષાને પ્રભાવિત કરી છે.
આ સુનાવણી દરમિયાન કોર્ટે હુડ્ડાને દેશમાં મેડિકલ સીટ અંગે પૂછ્યું. તેના પર તેમણે કોર્ટને જણાવ્યું કે, સંખ્યા 1 લાખ 8 હજાર છે. આ સાથે જ તર્ક આપવામાં આવ્યો કે, જો ફરીવાર પરીક્ષાનું આયોજન કરવામાં આવે તો એવી સ્થિતિમાં 1 લાખ 8 હજાર રીટેસ્ટ હશે. 22 લાખ ક્વોલિફાય નહીં કરી શકશે. તેના પર સીજેઆઈએ કહ્યું કે, શું થશે જો કોઈ કાયદેસર રીતે 1 લાખ 8 હજારમાં નહીં આવી શકે.
હુડ્ડાએ જવાબ આપ્યો કે, આ તમામ 22 લાખ બીજી વખત એક તક ઈચ્છે છે. સીજેઆઈ નું કહેવું છે કે, અમે માત્ર એટલા માટે બીજી વખત પરીક્ષાનો આદેશ ન આપી શકીએ કારણ કે, તેઓ ફરીવાર પેપર આપવા માગે છે. આવું ત્યારે જ થઈ શકે જ્યારે પરીક્ષાની પવિત્રતા પ્રભાવિત થઈ હોય.
કોર્ટે સીબીઆઈ રિપોર્ટનો ઉલ્લેખ કર્યો
સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલે કહ્યું, અમે બીજો સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો છે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે તે રિપોર્ટ પણ જોયો છે. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે સીબીઆઈએ અમને સ્ટેટસ રિપોર્ટ પણ સોંપ્યો છે. અમે તેને સાર્વજનિક કરી શકતા નથી કારણ કે તે સીબીઆઇ તપાસને અસર કરી શકે છે.