કોલકત્તાની ઘટના અંગે સુપ્રીમ કોર્ટમાં શું થઈ માંગણી ? જુઓ
કોલકત્તા સરકારી હોસ્પિટલમાં બનેલી હિચકારી ઘટના અંગે હવે સુપ્રીમ કોર્ટમાં પણ દાદ માંગવામાં આવી છે. મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રચૂડ સમક્ષ બે વકીલોએ પત્ર દ્વારા અરજી કરીને આ મામલામાં જેમ બને તેમ જલ્દી ઝડપી કાર્યવાહી કરાવવાનો આદેશ કરવાની માંગ કરવામાં આવી છે.
વકીલ રોહિત પાંડે અને ઉજ્જવળ ગૌડ નામના વકીલોએ એવી વિનંતી કરી છે કે સુપ્રીમ કોર્ટ સંજ્ઞાન લઈને આ મામલો હાથ ધરે અને જરૂરી આદેશો આપે. ત્રીજા અરજદાર ડૉક્ટર મોનિકા સિંહ છે અને એમણે પણ ઝડપી કાર્યવાહી કરાવીને ન્યાય આપવા માંગણી કરી છે.
અરજીમાં એમ જણાવાયું છે કે આ કેસ ખૂબ જ ભયાનક છે અને અજોડ છે. તે આપણા દેશના આત્મા પર અત્યાચાર છે. એક ડૉક્ટર પર હુમલો થયો નથી પણ સમગ્ર માનવતા પર હિચકારો હુમલો થયો છે. મુખ્ય ન્યાયમૂર્તિએ આ કેસમાં જરૂરી નિર્દેશ કરવાની જરૂર છે.
આ પ્રકારની બર્બરતાપૂર્ણ ઘટના સ્વીકાર્ય હોય જ નહીં અને સહન થઈ શકે જ નહીં. મહિલાના આત્મસન્માન અને કાયદાની રખેવાળી માટે પણ એક્શન જરૂરી છે. હોસ્પિટલોમાં સુરક્ષાને લઈને પણ સુપ્રીમ કોર્ટે આદેશ આપવા જોઈએ તેવી માંગ કરાઇ છે.