ભારત અને કતાર વચ્ચે શું થઈ સહમતી ? વડાપ્રધાન મોદી કોને મળ્યા ? વાંચો
- ભારત અને કતાર બેવડા કરવેરાથી દૂર જ રહેશે
- વડાપ્રધાન મોદી અને કતારના અમીર શેખ થાની વચ્ચે હૈદ્રાબાદ હાઉસમાં થઈ બેઠક : વેપાર, ઉર્જા, રોકાણ સહિતના ક્ષેત્રોમાં આગળ વધવા સહમતી; ૧૦ વર્ષ બાદ અમીર ભારતની મુલાકાતે આવ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે ભારતની યાત્રાએ આવેલા કતારના અમીર તમિમ બિન હમાદ અલ થાની સાથે મુલાકાત કરી હતી જ્યાં બંને નેતાઓએ પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી હતી. નરેન્દ્ર મોદીએ વિદેશ મંત્રી એસ જયશંકર, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને અનેક વરિષ્ઠ મંત્રીઓ સાથે વાટાઘાટોનું નેતૃત્વ કર્યું હતું. કતારના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ અમીર તમિમ બિન હમાદ અલ થાનીએ કર્યું હતું. આ પહેલા તેઓ ૨૦૧૫ માં ભારતની મુલાકાતે આવ્યા હતા.
ભારત અને કતાર વચ્ચે આવક પરના કરવેરા સંદર્ભે બેવડા કરવેરા ટાળવા અને મહેસૂલી ચોરી અટકાવવા માટેના સુધારેલા કરાર પર મોદી અને અમીર શેખ થાનીની હાજરીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

અનેક ક્ષેત્રોમાં સહકાર માટે સહમતી
આ દરમિયાન, બંને નેતાઓએ ભારત-કતાર સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી વધારવાનો નિર્ણય કર્યો, જેમાં વેપાર, ઊર્જા, રોકાણ, નવીનતા, ટેકનોલોજી, ખાદ્ય સુરક્ષા, સંસ્કૃતિ અને લોકો-થી-લોકોના સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. તેમણે પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.
ગાર્ડ ઓફ ઓનર અપાયું
કતારના અમીર બે દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા હતા મંગળવારે રાષ્ટ્રપતિ ભવનના પરિસરમાં અમીરને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું અને ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત સરકારના વરિષ્ઠ મંત્રીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને પોતે એરપોર્ટ પર અમીરનું સ્વાગત કર્યું હતું.