બાકી હતું તે હવે શિવસેના (ઠાકરે )એ શરદ પવાર સામે પણ શીંગડા ભેરવ્યા
ભારતીય જનતા પક્ષ, શિવસેના (શિંદે ) અને એનસીપી અજીત પવારની મહાયુતિને પરાજિત કરવા મેદાને પડેલ મહા વિકાસ આઘડી પોતાનું ઘર પણ સાચવવામાં અસમર્થ હોય તેમ ઘટક પક્ષો વચ્ચેનો વિખવાદ ચરમસીમા પર પહોંચતો જાય છે. અત્યાર સુધી શિવસેના (ઠાકરે )ને કોંગ્રેસ સાથે વાંકું પડ્યું હતું પણ હવે તેણે શરદ પવાર સામે પણ મોરચો માંડ્યો છે. ખાસ કરીને પીપરી – ચિંચાવડ વિસ્તારની ત્રણ બેઠકો માટે થયેલા વિવાદ બાદ બંને પક્ષો સામસામે આવી ગયા છે.
એનસીપી ( શરદ પવાર ) એ સોમવારે ચિંચવાડ ની બેઠક માટે રાહુલ કલાટે, ભોસારી બેઠક માટે અજીત ઘાવને અને પીમ્પરીની બેઠક માટે સુલક્ષણા શીલવંત ના નામ જાહેર કર્યા હતા. આ જાહેરાત બાદ ભડકો થયો હતો. શિવસેના (ઠાકરે)ના નેતા સચિન ભોંસારે એ એ ત્રણમાંથી એક પણ બેઠક શિવસેનાને ન મળવા બદલ આઘાત ની લાગણી દર્શાવી હતી. નોંધનીય છે કે એ ત્રણમાંથી પીમ્પરીની બેઠક માટે શિવસેના (ઠાકરે) એ દાવેદરી કરી હતી. સચિન ભોંસારેએ એ ત્રણ બેઠકો ઉપર શરદ પવારના ઉમેદવારો માટે શિવસેનાના કાર્યકરો પ્રચાર નહીં કરે તેવી ઘોષણા કરી હતી અને સાથે જ બેઠક ઉપરથી અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવવાની ચીમકી પણ આપી હતી.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ સંજય રાઉતના વારંવારના નિવેદનોને કારણે કોંગ્રેસ અને શિવસેના ઠાકરે વચ્ચે ભારે ખટરાગ સર્જાયો હતો અને છેક ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધી બંને પક્ષો વચ્ચે 5 થી 10 બેઠક માટે માથાકૂટ ચાલુ રહી હતી. એ બંને વચ્ચેનો વિવાદ ઉકેલવા શરદ પવારે મધ્યસ્થી કરી હતી પરંતુ હવે તો શિવસેના (ઠાકરે ) એ શરદ પવાર સામે પણ મોરચો માંડતા મહા વિકાસ અઘાડી નો સંઘ કઈ રીતે કાશી એ પહોંચશે તેવા સવાલો ખડા થયા છે. શિવસેના ઠાકરે એ કોંગ્રેસને પણ સોલાપુર સાઉથની બેઠક ઉપર ઉમેદવારનું નામ જાહેર ન કરવાની નવી ચેતવણી આપી હતી. એ બેઠક માટે શિવસેનાએ પોતાના ઉમેદવારના નામની ઘોષણા કરી દીધી છે.
મહાયુતીમાં પણ ભડકો: બોરીવલીમાં આયાતી ઉમેદવાર સામે બળવો
બોરીવલીની બેઠક માટે ભારતીય જનતા પક્ષે મુંબઈ યુનિટના સેક્રેટરી સંજય ઉપાધ્યાયનું નામ જાહેર કરતા
મોટી બબાલ સર્જાઇ હતી. સંજય ઉપાધ્યાયને આયાતી ઉમેદવાર ગણાવી ભાજપના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મુંબઈ ઉતરની બેઠક પર 2014 અને 2019 માં સાંસદ તરીકે ચૂંટાયેલા ગોપાલ શેટ્ટી જાહેરમાં પક્ષની સામે આવી ગયા હતા. તેમણે કહ્યું કે બોરીવલીની બેઠક ઉપર આયાતી ઉમેદવારોને પસંદ કરવાની પરંપરા તોડવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે 2014માં વિનોદ તાવડે ને ટિકિટ આપવામાં આવી હતી. 2019 માં સુનિલ રાણે ભાજપના ઉમેદવાર હતા. આ વખતે તેમની ટિકિટ કાપી અને હવે સંજય ઉપાધ્યાયને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે. પોતે સતત બે ચૂંટણીમાં વિજય થયા હોવા છતાં 2024 ની સંસદની ચૂંટણીમાં ભાજપે પિયુષ ગોયલ ને ટિકિટ આપી હતી તે યાદ કરી તેમણે પક્ષ માટે વફાદારી પૂર્વક કામ કરનાર કાર્યકરોને અન્યાય થઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો અને બોરીવલીની બેઠક ઉપરથી અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ગમે તે થાય હવે હું પાછો હટવાનો નથી.
શિંદેના ધારાસભ્ય ચોધાર આંસુએ રડ્યા બાદ ગાયબ થઈ ગયા
પાલઘરની બેઠક માટે શિવસેના શિંદે એ તેના વર્તમાન ધારાસભ્ય શ્રીનિવાસ વનગાની ટિકિટ કાપી ભૂતપૂર્વ સાંસદ રાજેન્દ્ર ગામિતને ઉમેદવાર ઘોષિત કરતા શ્રીનિવાસ વનગા ચોધાર આંસુએ રડી પડ્યા હતા અને બાદમાં ગાયબ થઈ જતાં ભારે સસ્પેન્સ સર્જાયું છે. ગુમ થઈ જતાં પહેલાં શ્રીનિવાસ વનગાએ પ્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ઠાકરે સાથે બળવો કરી એકનાથ શિંદે સાથે જોડાયેલા 40 માંથી 39 ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી છે પણ એકમાત્ર મને બાકાત રાખી એકનાથ શિંદેએ મારી સાથે દગો કર્યો છે. એકનાથ શિંદે પક્ષના વફાદાર કાર્યકરોના હિતોનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગયા હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. તેમણે ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડવા બદલ પોતે અપરાધભાવ અનુભવતા હોવાનો ખેદ પણ વ્યક્ત કર્યો હતો. એ પત્રકાર પરિષદ પૂર્ણ કર્યા બાદ તેઓ પોતાની કારમાં બેસીને ક્યાંક ચાલ્યા ગયા હતા. તેમના પરિવારજનોએ એ અંગે ચિંતા વ્યક્ત કર્યા બાદ પોલીસે શોધખોળ હાથ ધરી હતી. તેમના પત્ની સાથે એકનાથ સિંધી એ પણ વાત કરી હોવાનું જાણવા મળે છે.