ઝારખંડમાં કેવી કરુણતા સર્જાઇ ? જુઓ
ઝારખંડના જમશેદપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 6 મિત્રોના એક સાથે મોત થયા હતા. આ ઘટના બિષ્ટુપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સર્કિટ હાઉસ વિસ્તારમાં આવેલા ગોલ ચક્કર પાસે બની હતી. નવા વર્ષના પ્રથમ જ દિવસે આ કરુણ દુર્ઘટના સર્જાઇ હતી. યુવકો નવા વર્ષની પાર્ટી કરીને ઘરે પાછા આવી રહ્યા હતા ત્યારે કાળનો ભેટો થયો હતો.
પુરપાટ ઝડપથી દોડતી કાર પહેલા ડિવાઈડર સાથે અથડાઈ અને તે પછી ઝાડ સાથે અથડાઈ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 8 લોકોમાંથી 6ના મોત થયા હતા. સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચી પોલીસે મૃતદેહોને કસ્ટડીમાં લીધા અને પોસ્ટમાર્ટમ માટે મોકલ્યા હતા અને ઘાયલોને બહાર કાઢ્યા હતા. પોલીસ હવે તપાસ કરી રહી છે કે મૃતક યુવકો પાર્ટી કરવા ક્યાં ગયા હતા.
નવા વર્ષની ઉજવણી કરી હોટલથી પરત ફરતી વખતે આ ઘટના બની હતી. અહેવાલો મુજબ કારમાં સવાર તમામ યુવકો નશામાં હતા. આ યુવકો આરઆઈટી પોલીસ સ્ટેશન વિસ્તારના કુલુપ્તાંગાના રહેવાસી હતા.
આ ઘટનામાં ઘાયલ થયેલા એક યુવકના પિતાએ જણાવ્યું કે આ અકસ્માતમાં 6 યુવકોના મોત થયા છે પરંતુ તેમનો પુત્ર ઠીક છે. ક્ષતિગ્રસ્ત કારમાંથી મૃતદેહને ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા.