મેડિકલ એડમિશનમાં એનઆરઆઈ ક્વોટા અંગે સુપ્રીમ કોર્ટે શું કહ્યું ? વાંચો
સુપ્રીમ કોર્ટે એમબીબીએસમાં એનઆરઆઈ ક્વૉટા મામલે પંજાબ સરકારની ઝાટકણી કાઢી હતી. મેડિકલ એડમિશનમાં એનઆરઆઈ ક્વૉટાને લઈને આકરી ટિપ્પણી કરતાં કોર્ટે કહ્યું કે ‘આપણે આ ક્વૉટાનો ધંધો જ બંધ કરી દેવો જોઈએ. આ એક છેતરપિંડી છે. આપણી એજ્યુકેશન સિસ્ટમ સાથે આપણે શું કરી રહ્યા છીએ!’
સુપ્રીમ કોર્ટે મેડિકલમાં એડમિશનને લઈને એનઆરઆઈ ક્વૉટાની વ્યાખ્યાને વ્યાપક બનાવવાનું નોટિફિકેશન રદ કરવા માટે પંજાબ હાઇકોર્ટના આદેશને પડકારતી અરજી રદ કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. સુનાવણી દરમિયાન સીજેઆઈ ડી વાય ચંદ્રચૂડે કહ્યું કે, ‘આપણે છેતરપિંડી બંધ કરવી પડશે. હાઇકોર્ટના આદેશ એકદમ સાચા છે. જો તેના નુકસાનકારક પરિણામો જોઈએ તો, જે ઉમેદવારોના ત્રણ ગણા માર્ક્સ છે તેમને પણ એડમિશન નથી મળ્યું. કેન્દ્ર સરકારે લાઇન પર આવી જવું જોઈએ.’
પંજાબ સરકારની ટીકા
આ મામલે જસ્ટિસ ચંદ્રચૂડની બેન્ચે પંજાબ સરકારને પણ આડે હાથ લેતાં ટિપ્પણી કરી હતી કે ‘તમે એનઆરઆઈ ક્વૉટાના એડમિશનમાં નજીકના સંબંધીઓ અને આશ્રિતોને પણ સામેલ કરી દીધા છે. આ છેતરપિંડી છે. તમે મેરિટ ધરાવતા વિદ્યાર્થીઓને એડમિશન નથી આપી શકતા અને તમારા એનઆર આઈ મામા, કાકા અને માસાના નામે એડમિશન આપી દીધા છે.’ નોંધનીય છે કે, ગયા મહિને પંજાબ સરકારે એનઆરઆઈ ક્વૉટામાં આ ફેરફાર કર્યો હતો.
બાબા ફરીદ યુનિવર્સિટી ઍન્ડ હેલ્થ સાયન્સે પંજાબ અને ચંડીગઢ રાજ્ય વતી મેડિકલ યુજી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે જાહેરાત કરી હતી. તેમાં યુજી ક્વૉટા માટેની છેલ્લી તારીખ 16 ઑગસ્ટ અને પંજાબ રાજ્ય માટે 15 ઑગસ્ટ દર્શાવાઈ હતી. તે અરજીમાં કહેવાયું હતું કે, રાજ્ય સરકારે 20 ઑગસ્ટે ફોર્મ જમા કરાવ્યા બાદ પ્રવેશ પ્રક્રિયામાં ફેરફાર કર્યો હતો. આ સિવાય ક્વૉટાના નિયમોમાં પણ ફેરફાર કરાયા છે.
