બાબા રામદેવને શું લાગ્યો ઝટકો ? જુઓ
ભ્રામક જાહેરાતોના મામલે બાબા રામદેવ અને એમની કંપની પતંજલિ સામે સુપ્રીમ કોર્ટે આંખ લાલ કર્યા બાદ પણ બાબાની મુશ્કેલી અને ઉપાધિ ઓછી થવાનું નામ લેતી નથી. ઉત્તરાખંડના પિથોરાગઢના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે પતંજલિ આયુર્વેદ લિમિટેડના આસિસ્ટન્ટ મેનેજર સહિત ત્રણ લોકોને સોન પાપડી ગુણવત્તા ટેસ્ટમાં ફેલ થવા બદલ છ મહિનાની જેલની સજા ફટકારી હતી. ત્રણેયને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
17 ઓક્ટોબર, 2019 ના રોજ, ખાદ્ય સુરક્ષા નિરીક્ષકે પિથોરાગઢના બેરીનાગના મુખ્ય બજારમાં લીલા ધાર પાઠકની દુકાનની મુલાકાત લીધી હતી, જ્યાં પતંજલિ નવરત્ન ઈલાઈચી સોન પાપડી વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા અને રામનગર કાન્હા જી ડિસ્ટ્રીબ્યુટર તેમજ પતંજલિ આયુર્વેદ લિમિટેડને નોટિસ આપવામાં આવી હતી.
ત્યારપછી ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરના રૂદ્રપુરમાં સ્ટેટ ફૂડ એન્ડ ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરીમાં ફોરેન્સિક તપાસ કરવામાં આવી હતી. ડિસેમ્બર 2020 માં, રાજ્યના ખાદ્ય સુરક્ષા વિભાગને પ્રયોગશાળામાંથી એક અહેવાલ મળ્યો જેમાં આ સોનપાપડી હલકી ગુણવત્તાવાળી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આ પછી બિઝનેસમેન લીલા ધર પાઠક, ડિસ્ટ્રીબ્યુટર અજય જોશી અને પતંજલિના આસિસ્ટન્ટ મેનેજર અભિષેક કુમાર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.
આ કેસ ચાલી જતાં અદાલતે કંપનીના 3 કર્મીઓને આકરી સજા કરીને 6 માસની કેદ ફટકારી હતી. પતંજલિની અન્ય કેટલીક આઇટમોની પણ થોડા સમય પહેલા ચકાસણી કરવામાં આવી હતી.