રાજકારણ ક્ષેત્ર અંગે સુપ્રીમ કોર્ટે કેવો કટાક્ષ કર્યો ? શું કહ્યું ? વાંચો
સુપ્રીમ કોર્ટે માનહાનિ સંબંધિત એક કેસની સુનાવણી કરતા કહ્યું કે જો તમારે રાજકારણમાં આવવું હોય તો ચામડી ગેંડા જેટલી જાડી હોવી જોઈએ. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈ વ્યક્તિ રાજકારણમાં પ્રવેશતાની સાથે જ તમામ પ્રકારના બિનજરૂરી નિવેદનો સાંભળવા માટે તૈયાર રહે. કેન્દ્રીય મંત્રી એલ. મુરુગન સામેની માનહાનિની અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ વાત કહી હતી.
ડિસેમ્બર 2020 માં એક પ્રેસ કોન્ફરન્સમાં મુરુગનના કથિત બદનક્ષીભર્યા નિવેદનો સામે ચેન્નાઈ સ્થિત મુરાસોલી ટ્રસ્ટ દ્વારા ફોજદારી બદનક્ષીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી મુરુગને મદ્રાસ હાઈકોર્ટના 5 સપ્ટેમ્બર, 2023ના આદેશને પડકારતી અરજી સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરી હતી જેણે માનહાનિની કાર્યવાહીને રદ કરવાનો ઇનકાર કર્યો હતો. આ કેસની સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર 2023 માં મુરુગન સામે ફોજદારી માનહાનિના કેસમાં કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી.
જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેંચ સમક્ષ મામલો સુનાવણી માટે આવ્યો હતો. બેન્ચે મુરુગનના વકીલને પૂછ્યું કે, શું તમે એવું નિવેદન આપવા તૈયાર છો કે તમારો બદનક્ષી કરવાનો કોઈ ઈરાદો નહોતો? ટ્રસ્ટ વતી હાજર રહેલા વકીલે કહ્યું કે આ પદ સંભાળનાર વ્યક્તિ જવાબદાર હોવા જોઈએ.
“જ્યારે તમે રાજકારણમાં પ્રવેશો છો, ત્યારે તમારે તમામ પ્રકારની અનિચ્છનીય, બિનજરૂરી ટિપ્પણીઓ માટે તૈયાર રહેવું જોઈએ,” બેન્ચે કહ્યું. ટ્રસ્ટ તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે તેઓ રાજકારણમાં સામેલ નથી. બેન્ચે ટ્રસ્ટના વકીલને કહ્યું, “તે (અરજીકર્તા) નિવેદન આપી રહ્યો છે કે તેનો ઈરાદો તમારી ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ન હતો.” વકીલે સૂચના મેળવવા માટે ગુરુવાર સુધીનો સમય માંગ્યો હતો.