ખેડૂત આંદોલન માટે શું તૈયારી ? જુઓ
શું બંદોબસ્ત કર્યો ?
13 ફેબ્રુઆરી આજથી સંયુક્ત કિસાન મોરચાએ દિલ્હીમાં વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું હતું ત્યારે સોમવારે 20 હજારથી વધુ ખેડૂતો દિલ્હી જવા રવાના થઈ ગયા હતા. આ પહેલા હરિયાણા-પંજાબની બોર્ડરને સીલ કરી દેવાઈ હતી. અને જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ હતી. તો આખા દિલ્હીમાં 144 લાગૂ કરી દેવામાં આવી હતી જે 1 મહિના સુધી રહેશે. લાઉડસ્પીકરના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો હતો.
લોકસભાની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે, એવામાં પોતાની અધુરી રહી ગયેલી માગો સાથે ખેડૂતો ફરી આંદોલન શરૂ કરવા જઇ રહ્યા છે. ટેકાના ભાવ માટે કાયદો સહિતની માગણીઓ સાથે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિતના કેટલાક રાજ્યોના આશરે ૨૦ હજારથી વધુ ખેડૂતો દિલ્હી તરફ રવાના થઇ ગયા હતા બે હજારથી વધુ ટ્રેક્ટરો સાથે નિકળેલા ખેડૂતો ૧૩મી તારીખે દિલ્હી પહોંચી શકે છે. જોકે તેમને અટકાવવા માટે ત્રણ રાજ્યોની પોલીસ હાઇએલર્ટ પર છે. જ્યારે દિલ્હીની ત્રણ મુખ્ય સરહદોને સીલ કરી દેવામાં આવી છે.
હરિયાણાની બોર્ડર પર સિમેન્ટ અને કોંક્રિટના બ્લોક તેમજ ખીલા ધરબી દેવાયા છે. જેને પહોંચી વળવા માટે ખેડૂતોએ પણ ટ્રેક્ટરોને મોડિફાઇ કર્યા છે અને આગળ મોટા હુપડા ફિટ કરી દેવાયા છે જ્યારે ખીલાથી ટ્રેક્ટરોને પંચર ના પડે તે માટે લોખંડના કવર ચડાવી દેવાયા છે. ખેડૂતો પણ લડી લેવાના મૂડમાં હોય તેમ પુરી તૈયારી સાથે આગળ વધી રહ્યા છે. રાજધાની દિલ્હી હાઇએલર્ટ પર છે અને સરહદોની આસપાસ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે.
ટ્રેક્ટરો ઉપરાંત ખેડૂતો બસ, ટ્રેન, બાઇક સહિતના વાહનો લઇને દિલ્હી પહોંચી રહ્યા છે. તેથી તેમને રોકવા માટે દરેક પોઇન્ટ પર પોલીસ ખડકી દેવામાં આવી છે.
2021 માં 1 વર્ષ આંદોલન ચાલ્યું હતું
૨૦૨૦-૨૧માં દિલ્હીમાં એક વર્ષ સુધી આંદોલન કરનારા ખેડૂતોના સંગઠન સંયુક્ત કિસાન મોરચા દ્વારા આ વખતે આ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. સરકાર પર દબાણ લાવવા માટે ફરી આંદોલન શરૂ કરાયું છે.