દેશના અર્થતંત્ર વિષે મૂડીઝે શું કહ્યું…. વાંચો
દેશના અર્થતંત્રની ચાલથી મોટાભાગની વિદેશી રેટિંગ એજન્સીઓ સંતુષ્ટ દેખાઈ રહી છે. હવે વધુ એક એજન્સીએ સારી આગાહી કરી છે. ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતનો આર્થિક વૃદ્ધિદર 6.7 ટકા રહેવાની ધારણા વૈશ્વિક સ્તરની રેટિંગ એજન્સી મૂડીઝે વ્યક્ત કરી છે. એટલું જ નહીં એવી આગાહી પણ કરી છે કે બજારોમાં માંગ જળવાઈ રહેશે.
પ્રતિકૂળ વૈશ્વિક આર્થિક પૃષ્ઠભૂમિ સામે નબળી નિકાસ વચ્ચે, મૂડીઝે તેના ગ્લોબલ મેક્રોઇકોનોમિક આઉટલુક 2024-25માં જણાવ્યું હતું કે સતત ઘરેલું માંગમાં થઈ રહેલી વૃદ્ધિથી ભારતના અર્થતંત્રને વેગ મળી રહ્યો છે. મૂડીઝે કહ્યું કે, ભારતનો વાસ્તવિક જીડીપી 2023માં 6.7 ટકા, 2024માં 6.1 ટકા અને 2025માં 6.3 ટકા વધવાનું અનુમાન છે. ભારતનો વાસ્તવિક જીડીપી જૂન ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 7.8 ટકા વધ્યો હતો જે માર્ચ ક્વાર્ટરમાં 6.1 ટકા હતો.
મૂડીઝના જણાવ્યા અનુસાર, જીએસટી કલેક્શનમાં વૃદ્ધિ, વાહનોના વેચાણમાં વધારો, ગ્રાહક સેન્ટિમેન્ટમાં વધારો અને બે આંકડામાં ક્રેડિટ ગ્રોથ દર્શાવે છે કે તહેવારોની સિઝનમાં શહેરી વપરાશની માંગમાં સ્થિતિસ્થાપક રહેશે. આ ઉપરાંત તેમણે ગ્રામીણ માંગમાં પણ સુધારાના સંકેત આપ્યા હતા.