યુધ્ધ વિરામથી ઇઝરાયલના વડાપ્રધાન કેવી મુસીબતમાં મુકાયા ? શું થયું ? જુઓ
15 મહિના બાદ જ્યાં એક તરફ હમાસ અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામનો કરાર થયો છે અને 19 જાન્યુઆરીથી યુદ્ધવિરામ શરુ પણ થઇ ગયો છે. તો બીજી તરફ હમાસ સાથે યુદ્ધવિરામ માટે લંબાયેલો હાથ વડા પ્રધાન નેતન્યાહુ માટે મુશ્કેલ બની શકે છે. યુદ્ધવિરામથી નાખુશ, નેતન્યાહુ સરકારના ઘણા મંત્રીઓએ રાજીનામાં ધરી દીધા છે અને સત્તા બચાવવા નેતનયાહૂ માટે કપરા ચઢાણ બની શકે છે . યુધ્ધની સમાપ્તિ માટે ઘણા પ્રયાસ થયા હતા પણ વાત બની નહતી અને નેતાઓએ અપીલો પણ કરી હતી છતાં લડાઈ ચાલુ જ રહી હતી.
ઓત્ઝમા યેહુદિત પાર્ટીએ પણ ગઠબંધન સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો છે. જેથી વડાપ્રધાન નેતન્યાહુની મુશ્કેલીઓ વધી રહી છે. નેતન્યાહુ સરકારના મંત્રીઓ જે રીતે આ ડીલની વિરૂદ્ધ ઉભા છે તેનાથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ ડીલ નેતન્યાહુની ગાદી પર અસર કરી શકે છે.
નેતન્યાહુ સરકારના ઘણા મંત્રીઓ હમાસ સાથેના યુદ્ધવિરામ કરારથી નારાજ છે અને વિરોધ કરી રહ્યા છે. હમાસ અને ઇઝરાયલ સરકાર વચ્ચેના યુદ્ધવિરામ કરારના વિરોધમાં ઇઝરાયલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇટામર બેન-ગવીરે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે.
માત્ર રાષ્ટ્રીય સુરક્ષામંત્રી ઇટામર બેન-ગવીર જ નહીં પરંતુ તેમની રાષ્ટ્રવાદી-ધાર્મિક પાર્ટી ઓત્ઝમા યેહુદિતના અન્ય બે મંત્રીએ પણ રાજીનામું આપ્યું છે. આ સાથે ઓત્ઝમા યેહુદિત પાર્ટીએ પણ નેતન્યાહુની ગઠબંધન સરકારમાંથી પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું છે. આ રાજીનામાઓ સામે આવ્યા બાદ નેતન્યાહુના નેતૃત્વવાળી ગઠબંધન સરકારમાં તણાવ વધી ગયો છે. જો ગઠબંધન સરકારના મંત્રીઓ પોતાનું સમર્થન પાછું ખેંચી લે તો નેતન્યાહુ માટે પોતાની સત્તા બચાવી રાખવી મુશ્કેલ બનશે.