બાબા સિદ્દિકી હત્યા કેસમાં શું થયો નવો ખુલાસો ? વાંચો
બાબા સિદ્દિકીની હત્યાના મામલે તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ખુલાસો કર્યો છે કે, આ કેસમાં શૂટરની લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ સાથેની લિંક મળી છે. ક્રાઈમ બ્રાન્ચ અનુસાર, આરોપીઓની પૂછપરછમાં જણકારી મળી કે, શૂટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ સાથે સીધા સંપર્કમાં હતો. જોકે, પૂછપરછમાં હત્યાનું કારણ જાણી શકાયું નથી.
હત્યા કરનાર શંકાસ્પદ ત્રણ શૂટર્સે હત્યા પહેલાં એક ઈન્સ્ટન્ટ મેસેંજિંગ એપ (સ્નેપચેટ) દ્વારા જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ સાથે વાતચીત કરી હતી. અનમોલ બિશ્નોઈ પણ એક શૂટર અને સમગ્ર ઘટનાનું કાવતરૂં રચનાર પ્રવીણ લોનકરના સંપર્કમાં હતો. અનમોલ કેનેડા અને અમેરિકાના આરોપીઓના સંપર્કમાં હતો. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓ પાસેથી ચાર મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે.
ક્રાઈમ બ્રાન્ચે બાબા સિદ્દિકી હત્યાના મામલે અત્યાર સુધી 10 આરોપીની ધરપકડ કરી છે, જેમાં બે શૂટર અને હથિયાર સપ્લાયર પણ સામેલ છે. બાબા સિદ્દિકીની હત્યા મામલે શૂટર શિવકુમાર ગૌતમ અને પોલીસે જેને આરોપી જણાવ્યાં તેમાંથી ઘણાં હજુ ફરાર છે.
આરોપી સ્નેપચેટ દ્વારા એકબીજાના સંપર્કમાં હતાં અને મેસેજના માધ્યમથી નિર્દેશ મળ્યા બાદ તેને તુરંત ડિલીટ કરી દેતા હતાં. ધરપકડ કરવામાં આવેલા આરોપીઓના સ્નેપચેટની ઝીણવટભરી તપાસ કરતાં જાણ થઈ કે, શૂટર અને પ્રવીણ લોનકર સીધા અનમોલ બિશ્નોઈના સંપર્કમાં હતાં.
