મોંઘા ચોખાથી રાહત આપવા સરકારે શું યોજના કરી ? જુઓ
અત્યારના સમયમાં ચોખા અને દાળના ભાવ આકાશ પર પહોંચી ગયા છે અને તેના લીધે આમ આદમીનું જીવન ભારે દુષ્કર બની ગયું છે. આ સ્થિતિમાં આમ આદમીને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે ભારત બ્રાન્ડ સસ્તા ચોખા વેચવાની તૈયારી કરી લીધી છે.
આ પહેલા સરકારે સસ્તા લોટ અને દાળ વેચવાની શરૂઆત પણ કરી દીધી છે. જો કે અત્યારે ભારત બ્રાન્ડ ચોખાનો ભાવ નક્કી કર્યો નથી પણ એવી શક્યતા છે કે સરકાર આ ચોખા 25 રૂપિયા પ્રતિ કિલોના દરથી વેચી શકે છે. સરકારી શોપ પરથી વેચાણ શરૂ કરવાની તૈયારી થઈ રહી છે.
કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ આ મુજબની માહિતી મીડિયાને આપી હતી. એમણે કહ્યું હતું કે મધ્યમ વર્ગના લોકોને મોંઘા ચોખાથી રાહત આપવા માટે ભારત બ્રાન્ડ ચોખા વેચવાનો નિર્ણય થયા બાદ તેની કામગીરી ઝડપી બની છે. ભારત બ્રાન્ડ દાળ અને લોટનું વેચાણ તો ચાલુ જ છે.
ચોખા વેચવાની જવાબદારી નાફેડ, એનસીસીએફ અને કેન્દ્રીય ભંડાર જેવા સંગઠનોને સોંપી શકાય છે. એવો પ્રયાસ પણ થઈ રહ્યો છે કે આ ચોખને પેક કરીને સસ્તા અનાજની દુકાનેથી પણ વેચવામાં આવશે.
