સમાજ… સમાજ… સમાજ… આ સમાજ નામની વિભાવનાને દેશના ઘણા યુવાનોની જિંદગી બરબાદ કરી નાખી. યુવાનો જ નહીં પણ જે પેઢી ‘અમે તો વેઠી લીધું’ કહીને પોતાના કોમ્પ્રોમાઇઝીસ પર પ્રાઉડ લે છે એ ઉંમરથી યુવાન પણ મનથી બુઢ્ઢી થઈ ગયેલી પેઢીની પણ બહુ કસોટી લેવાઈ ગઈ. ટ્રેજેડી તો એ છે કે એમને તો ખબરેય નથી કે એમણે જે વેઠી લીધું ને ભોગવી લીધું અર્થાત્ સહન કરી લીધું, એ કોઈ મોટું તીર નથી માર્યું અને એના રેફરન્સ આપી આપીને નવી પેઢીને વારંવાર દબાવવાની ન હોય.
આપણે ત્યાં ‘સમાજ’ એટલે કાં આપણી આસપાસના લોકો અથવા તો જે કોમમાં આપણે જન્મ્યા તે. આ બે રેફરન્સમાં વાત થતી હોય છે. આ સમાજને ખુશ કરવા અને ખુશ રાખવા એ આપણું જન્મસિદ્ધ કર્તવ્ય. અને આ ‘સમાજ શુ કહેશે?’ નામનો ભય બતાવીને દેશના દોડતાં ઘોડાઓને એવી લગામ લગાવવામાં આવે છે કે એ બધી વાતે દુમ હલાવતા ડીપેન્ટડન્ટ પેટ્સ બનીને રહી જાય છે.
આ સમાજ આપણા ગ્રોથમાં મદદરૂપ બનતો હોય તો તો બરાબર. એ આપણા દુઃખમાં ભાગીદાર બનતો હોય તો તો બહુ સારું. પણ એવો સમાજ શા કામનો જે દુનિયાને પ્રેમ કરવા જેવી ન બનાવી શકે. એવો સમાજ શા કામનો જે એકસ્ટ્રા મરાઈટલ અફેર્સને પણ જઘન્ય કૃત્ય ગણે અને ઓનર કિલિંગના કિસ્સાઓ બને. એકબીજાને ગળાડૂબ પ્રેમ કરતા ‘જીવતાં’ વ્યક્તિઓની હત્યાઓ થવા દે. એવો સમાજ શા કામનો જે ‘આપણે શું’ નામનો પરમેનેન્ટ એક્સ્ક્યુઝ આપીને પાડોશમાં ચાલતી ડોમેસ્ટિક વાયોલન્સને ટીવીના વોલ્યુમ વધારીને ઇગ્નોર કરી દે. એવો સમાજ શા કામનો જે એક મહિલા કે પુરૂષની અંદર એન્ડ્રોજન્સ કે એવા બીજા હોર્મોન્સના ઇમબેલેન્સને સ્વીકારી ન શકે અને એને જાહેરમાં હસવાનો કે વ્યક્તિગત શરમનો મુદ્દો બનાવી દે. એ સમાજ કેવો તમને કોઈને કનડ્યા વગર તમારી જિંદગી તમારી શરતે જીવવા ન દે.
ફલાણા ભાઈનો છોકરો ક્યાં કોની સાથે ફરતો’તો એની પંચાત કરતો સમાજ એને કોલેજમાં એડમિશન વખતે એવું કહેવા નથી જતો કે પ્રાઈવેટમાં લેવું પડે તો ચિંતા ન કરતાં એક સેમેસ્ટરનો ખર્ચો અમે આપી દઈશું. ‘કંઈ કામ હોય તો અડધી રાત્રે ફોન કરજો’ કહેતો આ સમાજ જ્યારે જરૂર હોય ફોન ઉપાડવાની પણ તસ્દી નથી લેતો. અને પછી જ્યારે મળે ત્યારે ‘પે’લા કેવુ’તું ને, મને શું ખબર આવું થશે નહીં તો…’ વાળી ગોફણબાજીમાંથી ઊંચો નથી આવતો. માણસ આખરે માણસ છે. સારા ખરાબ બધાં માણસ એ સમાજનો જ હિસ્સો છે. અને સાવ દૂધે ધોયેલું કોઈ નથી અને કોઈને બદલવવાળી ક્રાંતિ કરવીય નથી આપણે. પણ મને કમસેકમ મારો સમાજ પસંદ કરવાની પરમિશન આપો બસ.
હું મારો સમાજ જાતે નક્કી ન કરી શકું ?
મા બીમાર પડે ત્યારે જે દોસ્ત બધા કામ પડતાં મૂકીને લાખ રૂપિયા અને જાત લઈને એક પળનો વિલંબ કર્યા વગર હજાર થઈ જાય એ જ ખરો સમાજ. જ્યારે કોવિડ થયો ત્યારે આંખ આડા કાન કર્યા વગર મોઢા આડા માસ્ક કરીને જમવાથી લઈને દવાઓ સુધીની બધી જ ચિંતા જે કરે એ આપણો સમાજ. અરે રસ્તા વચ્ચે બાઇક બંધ પડે તો ફોન કરતાંવેંત હાજર થઈ જાય એ માણસ આપણો સમાજ. ઓફિસ હોઈએ અને ઘરે વાઈફ બીમાર પડે તો એને હોસ્પિટલ લઈ જાય એ આપણા સૌનો સમાજ. ઇન કેસ, આપણે કોઈ સાથે માથાકૂટ થાય તો જરૂર પડે ત્યાં સમાધાન કરાવે એ સભ્ય સમાજ કહેવાય. શરમ રાખ્યા વિના રૂપિયા ઉધાર લઈ શકાય ને અને એ વાત બીજા પાસે કહીને અહેસાન ન જતાવે એ ખાનદાન સમાજ. નોકરી કે છોકરી છૂટી જાય તો અંદરખાને કૂથલી કરવાના બદલે ‘ટેન્શન ના લે! તું તો તોપ છે, તને તો બીજી સત્તર મળી જશે’ એવું કહીને સાથે રહીને હિંમત આપ્યા કરે એ કહેવાય બાજુમાં ઉભેલો સમાજ.
અને આ લોકોનાં ઘરે જ્યારે કંઇક ઉપર નીચે થાય તો રજા રાખવી પડે, તો હાજર થઈ જવું પડે, તો ટેકો કરવા માટે કદાચ ઘરેણાં પણ વેચવા પડે તો મન બીજો વિચાર કરવા પણ ન અટકે. જન્મથી નહીં પણ આ રીતે લાગણીથી જોડાયેલ લોકોને જ સમાજ માનજો. જેમના માટે ઘસાવું વ્યર્થ નહીં વર્થ હોય એ આપણો સમાજ છે. ક્યાં જન્મવું એ આપણાં હાથમાં નથી હોતું, પણ આપણો સમાજ પસંદ કરવાની છૂટ તો બધાને હોવી જોઈએ.