સંભલમાં મસ્જિદ પાસેથી કૂવામાંથી શું નીકળી રહ્યું છે ? જુઓ
ઉત્તર પ્રદેશના સંભલમાં તાજેતરમાં જ 46 વર્ષથી બંધ જૂના શિવ મંદિરને વહીવટીતંત્રએ ખોલાવ્યું હતું. આ મંદિરમાં પ્રાચીન શિવલિંગની સાથે એક હનુમાનજીની મૂર્તિ અને કૂવો પણ મળી આવ્યો હતો. હવે વહીવટીતંત્રને કૂવાનું ખોદકામ કરતાં 3 મૂર્તિઓ મળી આવી છે. આ મૂર્તિઓ માતા પાર્વતી, ગણેશ અને કાર્તિકેયની છે. આ મંદિર 1978થી બંધ પડ્યું હતું. વહીવટીતંત્રએ આ મંદિરની સાફસફાઈ કરાવી અને 15 ડિસેમ્બરે આ મંદિરમાં ધાર્મિક વિધિઓ અને મંત્રો-જાપ સાથે પૂજા-આરતી કરવામાં આવી હતી.
ડેપ્યુટી એસપી અનુજ ચૌધરીએ જણાવ્યું કે, મંદિરમાંથી ત્રણ મૂર્તિઓ મળી આવી છે. હાલમાં કૂવાનું ખોદવાનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે. કૂવો ઢાંકી દેવામાં આવ્યો છે. ખોદકામ દરમિયાન માતા પાર્વતી, ગણેશજી અને કાર્તિકેયજીની મૂર્તિઓ મળી આવી છે. આ મૂર્તિઓની કાર્બન ડેટિંગ કરાવવામાં આવશે. એક મૂર્તિ આરસની છે જે કાર્તિકેયજીની લાગી રહી છે. 2 મૂર્તિઓ ખંડિત છે. મૂર્તિઓનું કાર્બન ડેટિંગ કરવા માટે એએસઆઈને કહેવામાં આવ્યું છે. મસ્જિદની બહાર પણ એક કૂવો મળ્યો છે અને હવે તેમાં પણ ખોદકામ કરાશે.
આ પ્રાચીન મંદિર 400 વર્ષ જૂનું છે, જે કાર્તિક શંકર મંદિર છે. 82 વર્ષના વિષ્ણુ શરણ રસ્તોગીએ જણાવ્યું કે, મારા પરિવારના લગભગ 40થી 42 લોકો અહીં ખગ્ગુ સરાઈમાં રહેતા હતા. આ આખી શેરીમાં મારો પરિવાર રહેતો હતો. પરિવારના તમામ ધાર્મિક કાર્યક્રમો આ મંદિરમાંથી કરવામાં આવતા હતા અને કૂવામાંથી પાણી લઈને મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવતી હતી.
1978માં રમખાણો બાદ લોકો ભાગી ગયા
વિષ્ણુ શરણ રસ્તોગીએ જણાવ્યું કે, 1978 પહેલા મારો આખો પરિવાર સંભલમાં રહેતો હતો. 1978માં જ્યારે રમખાણો થયા ત્યારે તે શેરીમાં એક મોટા ગોદામમાં આગ ચાંપી દેવામાં આવી હતી. ત્યારબાદ 40થી 42 રસ્તોગી પરિવારો આ સ્થાન છોડીને ચાલ્યા ગયા. મંદિર પણ જેમ હતું તેમ છોડી દીધું. ત્યારબાદ ત્યાં મુસ્લિમ વસ્તી આવીને સ્થાયી થઈ ગઈ. તેમના ઘરોને પણ મુસ્લિમ સમુદાયના લોકોએ ખરીદી લીધા હતા. ત્યાર બાદ કોઈ રસ્તોગી પરિવાર તે મંદિરમાં પૂજા-પાઠ કરવા ન ગયો.