રાજસ્થાનની પાકિસ્તાન ભાગી ગયેલી અંજુ ભારતમાં આવી છે ત્યારે તેનો પ્લાન શું છે? વાંચો
રાજસ્થાનના ભીવાડીથી પાકિસ્તાન પ્રેમી પાસે પહોંચેલી અંજૂ ભારત પરત ફરી છે. હાલમાં તે દિલ્હીના બીએસએફ કેમ્પમાં રહી છે જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. અંજૂ લગભગ 5 મહિના બાદ પાકિસ્તાનથી ભારત આવી છે. વાઘા બોર્ડરના રસ્તે અંજૂ પાકિસ્તાનથી ભારત પરત ફરી છે અને તેનો પાકિસ્તાની શૌહર નસરુલ્લા તેને વાઘા બોર્ડર સુધી છોડવા માટે આવ્યો હતો.
સુરક્ષા એજન્સીઓ અંજૂની પૂછપરછ કરી રહી છે. જ્યારે અંજૂ વાઘા બોર્ડરના રસ્તે પંજાબમાં દાખલ થઈ ત્યારે પંજાબ પોલીસે તેને કસ્ટડીમાં લીધી હતી અને તેની પૂછપરછ કરી હતી. ત્યારબાદ તેને દિલ્હી આવવા માટે એક મહિનાની એનઓસી મળી છે. અંજૂએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, પાકિસતાનમાં મારું ખૂબ આતિથ્ય કરવામાં આવ્યું અને કોઈ મુશ્કેલી ન પડી. આ સાથે જ તેણે કહ્યું કે, હું પાકિસ્તાનથી ભારત પરત ફરીને ખૂબ જ ખુશ છું.
અંજૂએ સુરક્ષા એજન્સીઓને જણાવ્યું કે તે પહેલા તેના પતિ અરવિંદને ડિવોર્સ આપશે અને પછી તેના બાળકોને પોતાની સાથે લઈ જવાનો પ્રયત્ન કરશે. પાકિસ્તાનથી પરત આવેલી અંજૂના પતિ અરવિંદ અને તેના બાળકોએ તેને મળવાનો ઈનકાર કરી દીધો છે. અંજૂના પરિવારના સભ્યો પણ તેના સાથે મુલાકાત કરવા નથી માંગતા અને તેની સાથે વાત પણ કરવા નથી માંગતા.