બજેટમાં મધ્યમ વર્ગ માટે શું કરી જાહેરાત ? વાંચો
નાણામંત્રીએ વચગાળાના બજેટમાં ભલે કોઈ મોટી અને પ્રભાવક જાહેરાતો કરી નથી પણ દેશમાં બધાને ઘરનું ઘર આપવાના વડાપ્રધાનના સપનાની ઝલક આપી હતી. દેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અસંખ્ય ગરીબોને ઘર બનાવી અપાયા બાદ હવે શહેરી વિસ્તારોમાં ખાસ કરીને મધ્યમ વર્ગ માટે એક નવી વિશેષ આવાસ યોજના શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.
આ નવી યોજના હેઠળ દેશમાં અલગ અલગ શહેરોમાં ઝુંપડપત્તિ જેવા ઘરોમાં રહેતા લોકો તેમજ ભાડાના મકાનમાં રહેતા લોકો અને ચાલમાં રહેતા લાખો પરિવારોને ઘર લેવા માટે સરકાર સહાયતા કરશે.
નિર્મલાએ કહ્યું હતું કે કોરોના મહામારી હોવા છતાં પીએમ આવાસ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં 3 કરોડ ઘર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. શહેરોમાં મધ્યમ વર્ગ માટેની આવાસ યોજના અંગેની તમામ વિગતો હવે પછી જાહેર કરવામાં આવશે.
દેશના મોટા મધ્યમ વર્ગમાં હજુ પણ લાખો લોકો ભાડાના મકાનમાં અથવા ચાલમાં રહે છે અને એમની તકલીફને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન આવાસ યોજનામાં એમનો સમાવેશ કરવામાં આવશે.