સંસદમાં પ્રથમ દિવસે શું થયું ? વડાપ્રધાને શું અપીલ કરી ? વાંચો
સંસદના શિયાળુ સત્રનો સોમવારથી પ્રારંભ થયો હતો અને પ્રથમ જ દિવસે અદાણી તેમજ યુપીના સંભલ શહેરના તોફાન અંગે વિપક્ષે ધમાલ બોલાવી હતી અને ચર્ચાની માંગણી કરાઇ હતી. જો કે પ્રથમ દિવસે દિવંગત સાંસદોને અંજલિ આપીને ગૃહની બેઠક મુલતવી રાખી દેવાઈ હતી.
લોકસભામાં અદાણી મુદ્દા પર ધમાલ થઈ હતી. તેને પગલે ગૃહની કાર્યવાહી 27મી સુધી મુલતવી રાખી દેવાઈ હતી.. 26 મીએ બંધારણ દિવસની ઉજવણી થવાની છે. બીજી બાજુ રાજ્યસભામાં કોંગીના નેતા ખડગે અને અધ્યક્ષ ધનખડ વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી અને અદાણી મુદ્દે કાઇ નહીં ચર્ચા થાય તેમ અધ્યક્ષે કહેતા મામલો ગરમ બન્યો હતો.
રાજ્યસભાની કાર્યવાહી બેવાર ખોરવાઇ હતી અને અંતે દિવંગતોને અંજલિ આપ્યા બાદ ગૃહ આખા દિવસ માટે મુલતવી રાખી દેવાયું હતું. આ સત્રમાં વકફ સુધારા બિલ સહિત 16 ખરડા રજૂ થવાના છે. સરકાર અને વિપક્ષ વચ્ચે જોરદાર ટક્કરના એંધાણ પ્રથમ આજ દિવસે મળ્યા હતા.
વડાપ્રધાને ટોણો માર્યો
દરમિયાનમાં વડાપ્રધાન મોદીએ સોમવારે સત્ર શરૂ થતાં પહેલા સંસદમાં સુચારુ રૂપથી ચર્ચા કરવાની અપીલ કરી હતી. એમણે કોંગ્રેસને ટોણો મારીને કહ્યું હતું કે જે લોકોને જનતાએ 80 વખત નકારી દીધા છે તે લોકો સંસદમાં ધમાલ કરીને કામકાજ ખોરવી દેવા માંગે છે. જો કે જનતા એમને જોઈ રહી છે.