મેરઠમાં કથા દરમિયાન કેવી ઘટના બની ? શું થયું ? વાંચો
ઉત્તર પ્રદેશમાં નાસભાગની અનેક ઘટનાઓ વારંવાર આવતી હોય છે. મથુરા-વૃંદાવન સહિતના મંદિરોમાં ભારે ભીડના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. શુક્રવારે મેરઠમાં નાસભાગની ઘટના પ્રકાશમાં આવી હતી. મેરઠમાં શિવ મહાપુરાણ કથામાં ભીડ બેકાબૂ થવાના કારણે અનેક મહિલાઓ ભીડમાં કચડાઈ ગઈ હતી. અનેક મહિલાઓને દવાખાને ખસેડાઇ હતી. જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ નહતી. એન્ટ્રી ગેટ પર જ આ બનાવ બન્યો હતો.
મેરઠમાં અહીં પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં નાસભાગ મચી ગઈ હતી. ઘણી મહિલા અને વડીલો કચડાઈ જવાથી ઈજાગ્રસ્ત થયાં હતા. શુક્રવારે કથાનો છઠ્ઠો અને છેલ્લો દિવસ હતો. બપોરે એક વાગ્યે કથા શરૂ થવાની હતી. જોકે, તેના થોડા સમય પહેલાં જ અહીં નાસભાગ મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, ઘટનાસ્થળે લગભગ એક લાખ લોકો હાજર હતાં.
અહીં પોલીસ ફોર્સ પહેલાંથી જ તૈનાત હતી. નાસભાગ બાદ અન્ય પોલીસ સ્ટેશનની ટીમને પણ બોલાવવામાં આવી હતી. ચાર મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી અને તેઓને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
કથામાં અનેક રાજયોમાંથી હજારો લોકો રોજ આવતા હતા. જો કે મેરઠણા એસપીએ ભાગદોડ અને ધક્કામુક્કી થયાના અહેવાલો નકાર્યા હતા.