લોકસભામાં શું થયું ? કયો મહત્વનો ખરડો મુકાયો ? જુઓ
મોદી સરકાર માટે મંગળવાર ખરેખર મંગલમય રહ્યો હતો અને જેની લાંબા સમયથી ચર્ચા હતી તે બહુચર્ચિત એક દેશ એક ચુંટણી બંધારણ સુધારા ખરડો લોકસભામાં રજૂ થઈ ગયો હતો. કાયદામંત્રી મેઘવાળે ખરડો મૂક્યો હતો અને વિપક્ષના હોહા ગોકીરા વચ્ચે સરકારને સફળતા મળી હતી. જો કે ખરડાનું નામ એક દેશ એક ચુંટણી છે પણ પક્ષો એક નથી અને વિરોધમાં પણ કોંગ્રેસ સહીત અનેક રાજકીય પક્ષોએ અવાજ ઉઠાવ્યો છે. વડાપ્રધાન મોદી દેશ પર ચુંટણીના બોજ ઘટાડવા માંગે છે અને એટલા માટે જ આ મહત્વની કવાયત હાથ ધરાઇ છે તેમ મંત્રીઓએ કહ્યું હતું.
લોકસભામાં ખરડાનો સ્વીકાર કરવા માટે બે વખત વોટિંગની પ્રક્રિયા થઈ હતી અને બંને વખત સરકારની તરફેણમાં જ મતદાન રહ્યું હતું. સૌપ્રથમ ઇવીએમ દ્વારા મતદાન થયું હતું જેમાં ખરડાની તરફેણમાં ૨૨૦ મત પડ્યા હતા અને વિરોધમાં ૧૪૯ મત રહ્યા હતા.
જો કે ઇવીંએમ સિસ્ટમ સામે કેટલાક પક્ષો દ્વારા વાંધો લેવાતાં ગૃહના અધ્યક્ષે ચિઠ્ઠીઓ દ્વારા મતદાન કરાવ્યું હતું અને તેમાં પણ બિલની તરફેણમાં ૨૬૯ અને વિરોધમાં ૧૯૮ મત રહ્યા હતા. આમ આ ખરડાનો લોકસભામાં સ્વીકાર થયો હતો. જો કે સરકારની અગાઉની રણનીતિ મુજબ આ ખરડાને જેપીસી સમક્ષ મોકલી દેવાયો હતો. કોંગ્રેસ સહિતના પક્ષોએ આ બિલનો એમ કહીને વિરોધ કર્યો હતો કે આ બંધારણ વિરોધી ખરડો છે.
ટીએમસીના કલ્યાણ બેનરજીએ કહ્યું હતું કે આ ખરડો બંધારણના મૂળ પાયા પર હુમલો છે. આ બિલ એક વ્યક્તિની મહત્વાકાંક્ષા જ છે. એમના સપના પૂરા કરવા માટે બિલ લાવવામાં આવ્યું છે.
અમિત શાહે શું કહ્યું ?
લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહે નિવેદન આપીને કહ્યું હતું કે જ્યારે આ ખરડો કેબિનેટ પાસે ચર્ચા માટે આવ્યો હતો ત્યારે જ વડાપ્રધાન મોદીએ એમ કહી દીધું હતું કે ખરડાને જેપીસી સમક્ષ મોકલી દેવો જોઈએ. આમ આ ખરડા પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. જેપીસીમાં દરેક પસાની ચર્ચા થઈ જશે. વડાપ્રધાને પણ આ ખરડા માટે વિસ્તૃત ચર્ચાનો આગ્રહ પહેલાથી જ રાખ્યો હતો.
સમર્થન આપનાર પક્ષો
- ભાજપ
- જેડીયુ
- ટીડીપી
- શિવસેના
- એલજેપી
- બસપા
- આસામ ગણ પરિષદ
વિરોધ કરનાર પક્ષો
- કોંગ્રેસ
- સપા
- ટીએમસી
- આપ
- સીપીએમ
- ઉધ્ધવ શિવસેના
- આઈયુએમએલ
- અન્ય ૧૪ પક્ષો