રાજસ્થાનમાં ફરી રેલવે ટ્રેક પર શું બન્યું ? કેવી રીતે ટળ્યો અકસ્માત ? વાંચો
રાજસ્થાનમાં ફરી એકવાર ટ્રેનને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. . આ વખતે બિકાનેરમાં ટ્રેનને પલટાવી દેવાનું ષડયંત્ર પ્રકાશમાં આવ્યું છે. ત્યાં કેટલાક બદમાશોએ રેલવે ટ્રેકની જોઈન્ટ પ્લેટ ખોલી નાખી હતી .પરંતુ તેમની યોજનામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા અને મોટો અકસ્માત ટળી ગયો હતો.
ઘટનાની માહિતી મળતા જ રેલવે તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. બાદમાં રેલ્વે કર્મચારીઓની ટીમે સ્થળ પર પહોંચીને તેનું સમારકામ કર્યું હતું. સમયસર ઘટનાની જાણ થતાં મોટી દુર્ઘટના ટળી હતી.
રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર, બિકાનેરમાં ચોકુંટી ઓવરબ્રિજ નીચે રેલવે ટ્રેકની જોઈન્ટ પ્લેટ ખોલવાનો આ મામલો સામે આવ્યો છે. રવિવારે સાંજે કેટલાક યુવાનો ટ્રેકની જોઈન્ટ પ્લેટ ખોલવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે જ સમયે, અન્ય વ્યક્તિએ એમને જોઈ લીધા હતા અને તેણે બૂમાબૂમ કરતાં યુવકો ભાગી ગયા હતા. . બાદમાં તે વ્યક્તિએ રેલવેને આ અંગે જાણ કરી હતી. રેલવે અધિકારીઓ અને સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા.
બદમાશોએ જોઈન્ટ પ્લેટના નટ્સ ખોલી નાખ્યા હતા. બાદમાં રેલ્વેની ટેકનિકલ ટીમ ઝડપથી ત્યાં પહોંચી ગઈ હતી અને ક્ષતિગ્રસ્ત ટ્રેકનું સમારકામ કર્યું હતું. રેલવે અધિકારીઓ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે. આરપીએફએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને બદમાશોની શોધ શરૂ કરી છે. પરંતુ હજુ સુધી તેમનો કોઈ પત્તો મળ્યો નથી. ઘટના બાદ રેલવે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.
