યેદીયુરપ્પાએ એવું તો શું કર્યું કે કર્ણાટકના રાજકારણમાં ખળભળાટ મચી ગયો
પોલીસે ‘POCSO ‘ હેઠળ ગુનો નોંધ્યો
કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા બીએસ યેદીયુરપ્પા સામે એક મહિલાએ તેમની 17 વર્ષની સગીર પુત્રીનું યૌનશોષણ કરી હોવાની ફરિયાદ નોંધાવતા ભારે ચકચાર મચી જવા પામી છે. બેંગ્લોર પોલીસે પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ ફ્રોમ સેક્સ એક્ટ 2012 ( POCSO ) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ફરિયાદી મહિલાના જણાવ્યા અનુસાર બીજી ફેબ્રુઆરીએ તેઓ તેમની 17 વર્ષની પુત્રી સાથે કોઈ કામ બાબતે મદદ મેળવવા માટે યેદીયુરપ્પા ના નિવાસ્થાને ગયા ત્યારે તેમણે સગીરાને એક રૂમમાં બોલાવી તેનું યૌનશોષણ કર્યું હતું.
જો કે યેદીયુરપ્પાએ આક્ષેપ પાયાવિહોણો હોવાનું અને ફરિયાદ પાછળ રાજકીય ષડયંત્ર હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ મહિલા આવી ખોટી ફરિયાદો કરવા માટે કુખ્યાત છે અને અત્યાર સુધીમાં આવી 50 ફરિયાદ નોંધાવી ચૂકી છે.
બીજી તરફ કર્ણાટકના ગૃહ મંત્રી પરમેશ્વરને જણાવ્યું કે આમાં કોઈ રાજકીય દ્રષ્ટિકોણ નથી. એક મહિલા ફરિયાદ નોંધાવા ગઈ અને પોલીસે ગુનો નોંધ્યો તેમાં ખોટું શું છે? તેમણે કહ્યું કે કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સામે ફરિયાદ થઈ છે એટલે આ મુદ્દો અત્યંત સંવેદનશીલ છે અને જ્યાં સુધી સત્ય સામે ન આવે ત્યાં સુધી અમે કાંઈ જાહેર નહીં કરીએ.