હુથી બળવાખોરો સામે અમેરિકાએ શું કર્યું ? વાંચો
- ક્યાં હુમલા કર્યા ?
- કેટલા ઠેકાણા તબાહ કર્યા ?
અમેરિકી સેનાએ ફરી એકવાર યમનના હુથી બળવાખોરોના ઠેકાણા પર બોમ્બમારો કર્યો હતો. બળવાખોરોના ઠેકાણા પર ટૉમહોક ક્રૂઝ મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો હતો. 1991માં અમેરિકાએ આ મિસાઈલોનો ઉપયોગ અખાત યુધ્ધ વખતે કર્યો હતો. નવા હુમલાથી બળવાખોરોના 60 ઠેકાણા તબાહ કરવામાં આવ્યાનો દાવો કરાયો હતો.
આ પહેલા શુક્રવારે અમેરિકાએ બ્રિટિશ સેના સાથે મળીને યમનમાં ઘણી જગ્યાએ હુથી બળવાખોરો પર મોટા પ્રમાણમાં હવાઈ હુમલા કર્યા હતા. આજે થયેલા હુમલામાં રાજધાની સનામાં હુથી બળવાખોરોના ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યા હતા.
અમેરિકા અને બ્રિટને શુક્રવારે હુથી બળવાખોરોના 60થી વધુ ઠેકાણા પર સંયુક્ત હુમલો કર્યો હતો. આ સાથે જ અમેરિકાએ તેના વેપારી જહાજોને રાતા સમુદ્રથી થોડા દિવસો દૂર રહેવાની સલાહ આપી છે.
અમેરિકી પ્રમુખ જો બાયડેને હૌથીઓ પર હવાઈ હુમલાની પુષ્ટિ કરતા કહ્યું હતું કે જો હુથી બળવાખોરો વેપારી જહાજોને નિશાન બનાવવાનું બંધ નહીં કરે તો તેમને ફરીથી નિશાન બનાવવામાં આવી શકે છે. એક તરફ જ્યાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે ત્રણ મહિના કરતા પણ વધારે સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે હવે અમેરિકાના હુમલા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધવાની ભીતિ સર્જાઈ છે.
આ હુમલા બાદ હુથી બળવાખોરોએ પણ જવાબી કાર્યવાહીની ચેતવણી આપી હતી. હૌથી સેનાના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ યાહ્યા સરીએ એક નિવેદનમાં કહ્યું છે કે અમેરિકાને આ હુમલાઓની સજા મળશે. અમેરિકાનું કહેવું છે કે હવાઈ હુમલામાં હુથી બળવાખોરની તે ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા, જ્યાં વધારે વસ્તી ન હતી અને ખાસ કરીને હથિયારો, રડાર અને હુથીઓના મહત્વના ઠેકાણા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાઓમાં વધુ લોકોના મોતની કોઈ શક્યતા નથી.