લોકપાલની તપાસ અંગે સુપ્રીમ કોર્ટે શું કહ્યું ? શું છે મામલો ? જુઓ
સુપ્રીમ કોર્ટે 27 જાન્યુઆરીએ લોકપાલ દ્વારા જારી કરાયેલા એક મહત્વપૂર્ણ આદેશ પર રોક લગાવી દીધી છે. આ નિર્ણયમાં, નિવૃત્ત લોકપાલ જસ્ટિસ એએમ ખાનવિલકરે કહ્યું હતું કે લોકપાલ હાઈકોર્ટના ન્યાયાધીશો સામે ભ્રષ્ટાચારની ફરિયાદ પર વિચાર કરી શકે છે. આ મામલાની વધુ સુનાવણી ૧૮ માર્ચના રોજ થશે.
લોકપાલ અધિનિયમ, 2013 ની કલમ 14 નું અર્થઘટન કરતા, લોકપાલે કહ્યું હતું કે હાઈકોર્ટની રચના સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદાના આધારે કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો હાઈકોર્ટના ન્યાયાધીશ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ મળે છે, તો લોકપાલ તેના પર વિચાર કરી શકે છે. હાઈકોર્ટના ન્યાયાધીશના ભ્રષ્ટ વર્તન અંગે મળેલી બે ફરિયાદો પર લોકપાલે આ નિર્ણય લીધો હતો.
કાર્યવાહી આગળ વધારતા પહેલા, લોકપાલે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાને એક પત્ર મોકલીને તેના તારણો વિશે માહિતી આપી હતી. મુખ્ય ન્યાયાધીશે આ મુદ્દાને મહત્વપૂર્ણ ગણાવ્યો અને તેનું સંજ્ઞાન લીધું અને 3 સૌથી વરિષ્ઠ ન્યાયાધીશો જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ અભય એસ ઓકાની બેન્ચની રચના કરી હતી.
વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ 3 ન્યાયાધીશોની બેંચ સમક્ષ સ્વેચ્છાએ હાજર થયા અને કોર્ટને મદદ કરવાનો પોતાનો ઇરાદો વ્યક્ત કર્યો. કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર થયા હતા. તેમણે કહ્યું કે હાઈકોર્ટના ન્યાયાધીશનું પદ એક બંધારણીય પદ છે. આ પદને બંધારણ તરફથી થોડું રક્ષણ મળે છે. લોકપાલ કાયદાનો હેતુ હાઇકોર્ટના ન્યાયાધીશોને લોકપાલના દાયરામાં લાવવાનો નથી. કપિલ સિબ્બલે પણ આ વાત સાથે સહમતી વ્યક્ત કરી હતી.