સુપ્રીમ કોર્ટે કેજરીવાલ વિષે શું કહ્યું ? જુઓ
હવે સુનાવણી ક્યારે થશે ?
દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં તિહાર જેલમાં બંધ અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન પર સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીનને લઈને મંગળવારે સુપ્રીમ કોર્ટમાં લાંબી સુનાવણી થઈ. આ દરમિયાન ઇડી અને અભિષેક મનુ સિંઘવીએ પોતપોતાની દલીલો રજૂ કરી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. હવે 9 મેના રોજ સુપ્રીમ કોર્ટ કેજરીવાલના વચગાળાના જામીન પર પોતાનો ચુકાદો આપી શકે છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ એક અસાધારણ સ્થિતિ છે કારણ કે લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચે કહ્યું કે અરવિંદ કેજરીવાલ ટેવાયેલા ગુનેગાર નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘તે દિલ્હીના મુખ્યમંત્રી અને ચૂંટાયેલા નેતા છે. ચૂંટણીઓ થઈ રહી છે. આ એક અસાધારણ સ્થિતિ છે. એવું નથી કે તે રીઢો ગુનેગાર છે. અમે તેમને વચગાળાના જામીન પર છોડવા જોઈએ કે નહીં તે અંગેની દલીલો સાંભળીને વિચારણા કરીશું.’ તે જ સમયે, સુપ્રીમ કોર્ટે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીને કહ્યું કે, કોર્ટ નથી ઈછતી કે વચગાળાના જમીન મળ્યા બાદ કેજરીવાલ સરકારી કામકાજ કરે. જો સરકારી કામ કરે તો હિતોનો ટકરાવ થઈ શકે છે.
ઇડીએ વિરોધ કર્યો
અભિષેક સિંઘવીએ ખંડપીઠને ખાતરી આપી હતી કે જો કેજરીવાલને આ કેસમાં વચગાળાના જામીન મળી જશે તો તેઓ એક્સાઈઝ પોલિસી કૌભાંડ સંબંધિત કોઈ ફાઇલ જોશે નહીં.ઇડીએ કેજરીવાલ માટે વચગાળાના જામીન પર સુનાવણી કરવાના સર્વોચ્ચ અદાલતના અભિપ્રાયનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે અદાલત નેતાઓ માટે અલગ શ્રેણી બનાવી શકે નહીં.
સોલિસિટર જનરલે શું કહ્યું ?
ઇડી વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું, ‘હાલમાં દેશમાં સાંસદો સંબંધિત લગભગ 5,000 કેસ પેન્ડિંગ છે. શું આ તમામને જામીન પર છોડવામાં આવશે? શું એક ખેડૂત એવા નેતા કરતા ઓછો મહત્વનો છે કે જેના માટે પાકની લણણી અને વાવણીની મોસમ છે?’ મહેતાએ કહ્યું કે જો કેજરીવાલે તપાસમાં સહકાર આપ્યો હોત તો તેમની ધરપકડ ન થઈ હોત, પરંતુ તેમણે નવ સમન્સની અવગણના કરી હતી. તેમણે કહ્યું કે આ છાપ ખૂબ સફળતા સાથે બનાવવામાં આવી રહી છે કે અરવિંદ કેજરીવાલે કંઈ કર્યું નથી પરંતુ ચૂંટણી પહેલા જ તેમની ધરપકડ કરવામાં આવી છે.
લોકલ કોર્ટે જેલવાસ 20 મે સુધી લંબાવ્યો
દરમિયાનમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂરી થઈ ત્યાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલનો જેલવાસ 20 મે સુધી લંબાવી દીધો હતો. મંગળવારે એમની કસ્ટડીની મુદત પૂરી થઈ હતી અને વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કેજરીવાલને કોર્ટમાં હાજર કરાયા હતા.