બિઝનેસ લોન લેનારા માટે સુપ્રીમ કોર્ટે શું આપ્યો ચુકાદો ? વાંચો
- બિઝનેસ લોન લેનારા બેન્ક સામે ગ્રાહક પંચમાં ફરિયાદ કરી શકે નહીં
- સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો; લોન લેનારી આવી સંસ્થાઓ ગ્રાહક નહીં પણ લાભાર્થી કહેવાય માટે તે ગ્રાહક પંચમાં જઈ શકે જ નહીં
સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે જે સંસ્થાઓએ નફો કમાવવા માટે બેન્ક પાસેથી બિઝનેસ લોન લીધી છે તેઓ ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 1986 હેઠળ ‘ગ્રાહક’ તરીકે બેન્ક સામે ગ્રાહક ફોરમનો સંપર્ક કરી શકે નહીં.
સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા વિરુદ્ધ એડ બ્યુરો એડવર્ટાઈઝિંગ પ્રાઈવેટ લિમિટેડના વિવાદની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બેન્ક પાસેથી બિઝનેસ લોન લેતી સંસ્થાઓને ઉપભોક્તા નહીં પરંતુ લાભાર્થી કહેવાશે, તેઓને ઉપભોક્તા કહી શકાય નહીં. તેથી આવી સંસ્થાઓ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, 1986 હેઠળ ગ્રાહક ફોરમનો સંપર્ક કરી શકતી નથી.
જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે કહ્યું, ‘અમે આ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે આ કેસમાં પ્રતિવાદી, એડ બ્યુરો એડવર્ટાઇઝિંગ પ્રાઇવેટ લિમિટેડને ‘ગ્રાહક’ કહી શકાય નહીં કારણ કે તેણે બેન્ક પાસેથી પ્રોજેક્ટ લોન લઈને નફો મેળવ્યો છે. આ પ્રોજેક્ટ લોન દ્વારા કંપનીનો ઉદ્દેશ્ય ફિલ્મ ‘કોચાદઈયાં’ના સફળ પોસ્ટ પ્રોડક્શન પર નફો કમાવવાનો હતો.
વર્ષ 2014 માં, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાએ એડ બ્યુરો એડવર્ટાઈઝિંગ પ્રાઈવેટ લિમિટેડને રૂ. 10 કરોડની પ્રોજેક્ટ લોન આપી હતી. આ લોન પ્રખ્યાત અભિનેતા રજનીકાંત અભિનીત ફિલ્મ ‘કોચાદઈયાં’ના પોસ્ટ-પ્રોડક્શન માટે હતી, જેની સામે મિલકત ગીરો રાખવામાં આવી હતી. બાદમાં કંપની સમયસર લોન ચૂકવી શકી ન હતી. જેના કારણે બેન્કે વર્ષ 2015માં કંપનીના લોન એકાઉન્ટને એનપીએ જાહેર કર્યું હતું.