જમ્મુ અને હરિયાણામાં વડાપ્રધાને શું કહ્યું ? ક્યાં રેલીઓ કરી ? જુઓ
જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જમ્મુમાં અને હરિયાણામાં રેલીઑ સંબોધી હતી. જમ્મુના એમએ સ્ટેડિયમમાં વિજય સંકલ્પ મહારેલીને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું કે 2016માં આ જ રાત્રે એટલે કે 2016 ની 28 સપ્ટેમ્બરે પોકમાં સર્જિકલ સ્ટ્રાઈક થઈ હતી. ભારતે દુનિયાને કહ્યું હતું કે આ નવું ભારત છે. તે ઘરમાં ઘૂસીને મારે છે.
એમણે કહ્યું, ‘એ સમયને યાદ કરો જ્યારે સરહદ પારથી દરરોજ ગોળા વરસતા હતા. ત્યાંથી ગોળીઓ ચલાવવામાં આવતી હતી અને કોંગ્રેસના લોકોસફેદ ઝંડા બતાવતા હતા. જ્યારે ભાજપ સરકારે ગોળીઓનો જવાબ ગોળાથી આપ્યો તો દુશ્મનોના હોશ ઉડી ગયા હતા.
હવે આતંકના આકાઓ જાણે છે કે જો તેઓ કંઈ ખોટું કરશે તો મોદી તેમને નરકમાંથી પણ શોધીને શિકાર બનાવશે. કોંગ્રેસ એવી પાર્ટી છે જેણે સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગ્યા હતા. આજે પણ કોંગ્રેસ સર્જિકલ સ્ટ્રાઈકને લઈને પાકિસ્તાનની ભાષા બોલે છે. એનસી, પીડીપી અને કોંગ્રેસે કાશ્મીરના લોકોને પીડા જ આપી છે પણ હવે ભાજપની સરકાર બનાવવાની છે.
સપ્ટેમ્બરમાં જમ્મુ-કાશ્મીરમાં મોદીની આ ત્રીજી અને છેલ્લી ચૂંટણી રેલી હતી. ત્રીજા અને અંતિમ તબક્કામાં 1 ઓક્ટોબરે બાંદીપોરા, કુપવાડા, બારામુલ્લા, ઉધમપુર, જમ્મુ, સાંબા અને કઠુઆ જિલ્લાની 40 બેઠકો પર મતદાન થશે. 90 બેઠકો પર મતદાનના પરિણામો 8 ઓક્ટોબરે ત્રણ તબક્કામાં જાહેર કરવામાં આવશે.
હરિયાણાની રેલી
જમ્મુ બાદ હરિયાણાના હિસાર ખાતે જંગી રેલીને સંબોધતાં વડાપ્રધાને કહ્યું હતું કે અહીં ભાજપની ત્રીજીવાર સરકાર બનશે. એમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસ સૌથી મોટી સાંપ્રદાયિક પાર્ટી છે. અત્યારથી જ તેના નેતાઓ લોકોને ઘર છોડવાની ધમકી આપી રહ્યા છે. કોંગ્રેસે સર્જીકલ સ્ટ્રાઇકના પુરાવા માંગ્યા હતા. આપણી સેનાના વડાને ગલીનો ગુંડો કહીને અપમાન કર્યું હતું. કોંગ્રેસ આજે પણ દલાલો અને જમાઈનો બચાવ કરી રહી છે. કોંગ્રેસના રાજમા અહીં દલાલો અને જમાઈની જ બોલબાલા હતી. અમે ખેડૂતોને પૂરી રકમ આપી રહ્યા છીએ અને 24 પાક એમએસપીથી ખરીદવામાં આવી રહ્યા છે.