દિલ્હીની આપ સરકાર અંગે હાઇકોર્ટે શું કહ્યું ? વાંચો
કેગનો રિપોર્ટ એલજીને મોકલવામાં વિલંબ અંગે અદાલતે નારાજી દર્શાવી
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની વચ્ચે હાઈકોર્ટે આમ આદમી પાર્ટી સરકાર પર મહત્ત્વની ટિપ્પણી કરી હતી. કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલના 14 રિપોર્ટ વિધાનસભામાં રજૂ ન કરવાને લઈને હાઈકોર્ટે સરકારની ઈમાનદારી પર શંકા વ્યક્ત કરી છે.
કોર્ટે આ ટિપ્પણી એવા સમયે કરી છે જ્યારે મીડિયામાં સીએજીના બે રિપોર્ટ લીક થઈ ગયા છે. જેમાં સીએમના બંગલા પર ખોટી રીતે કરોડો રૂપિયાનો ખર્ચ અને એક્સાઈઝ પોલિસીથી સરકારી ખજાનાને 2000 કરોડ રૂપિયાથી વધુ નુકસાનનો દાવો કરવામાં આવ્યો છે.
જસ્ટિસ સચિન દત્તાની બેન્ચે સીએજી રિપોર્ટને લઈને દિલ્હી સરકાર પર સવાલ ઊભા કર્યાં છે. હાઈકોર્ટે સીએજી રિપોર્ટ પર વિચાર કરવામાં વિલંબ માટે દિલ્હી સરકારની ટીકા કરતાં કહ્યું, ‘જે રીતે તમે પીછેહઠ કરી છે, તેનાથી તમારી ઈમાનદારી પર શંકા ઊભી થાય છે. તમારે રિપોર્ટને તાત્કાલિક સ્પીકરને મોકલવો જોઈતો હતો અને ગૃહમાં ચર્ચા શરૂ કરવાની હતી. ટાઈમલાઈન એકદમ સ્પષ્ટ છે. તમે વિધાનસભા સત્ર બોલાવવામાં પીછેહઠ કરી.
એલજીની પાસે રિપોર્ટ મોકલવા અને આ મુદ્દે વિલંબથી તમારી ઈમાનદારી પર શંકા થાય છે. દિલ્હી સરકારે રિપોર્ટ્સને સ્પીકરની પાસે મોકલવામાં સક્રિયતા બતાવવી જોઈતી હતી. જવાબમાં દિલ્હી સરકારે સવાલ કર્યો કે ‘ચૂંટણીની નજીક વિધાનસભા સત્ર કેવી રીતે હોઈ શકે.’