ચુંટણી પંચે કેજરીવાલને શું કહ્યું ? કયા મુદ્દે લડાઈ શરૂ થઈ છે ? જુઓ
દિલ્હી વિધાનસભા ચૂંટણી વચ્ચે અરવિંદ કેજરીવાલે એક એવો મુદ્દો ઉઠાવ્યો જેના પર હોબાળો વધી રહ્યો છે. કેજરીવાલે આરોપ લગાવ્યો કે ત્યાંની ભાજપ સરકાર હરિયાણાથી દિલ્હી આવતા યમુનાના પાણીમાં ઝેર ભેળવી રહી છે. હવે આ દાવાને લઈને કેજરીવાલ ભારે ફસાયા છે. ચુંટણી પંચ અને કેજરીવાલ સામસામા આવ્યા છે અને પંચે ફરીવાર વિસ્તૃત જવાબ માંગ્યો છે .
એક તરફ તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તો બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રીના જવાબથી ચૂંટણી પંચ પણ સંતુષ્ટ નથી. ચૂંટણી પંચે અરવિંદ કેજરીવાલને પુરાવા સાથે જવાબ આપવા માટે વધુ એક તક આપી છે. ચૂંટણી પંચે તેમને 5 પ્રશ્નો પૂછ્યા છે. તેમને 31 જાન્યુઆરી એટલે કે આજે સવારે 11 વાગ્યા સુધીમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે દાવો કર્યો હતો કે હરિયાણાની ભાજપ સરકારે યમુનાના પાણીમાં ઝેર ભેળવ્યું છે. જો આ પાણી દિલ્હી જલ બોર્ડના એન્જિનિયરોએ બંધ ન કર્યું હોત તો દિલ્હીમાં નરસંહાર થયો હોત. ભાજપની ફરિયાદ બાદ ચૂંટણી પંચે કેજરીવાલ પાસે જવાબ માંગ્યો હતો. તેમના જવાબ બાદ ચૂંટણી પંચે ફરી એકવાર તેમને સવાલ પૂછ્યા છે.
કેજરીનો મુખ્ય ચુંટણી કમિશનર પર સામો ફૂંફાડો, કહ્યું, ચુંટણીમાં ઊભા રહી જાઓ !
આ દરમિયાન કેજરીવાલે મુખ્ય ચુંટણી કમિશનર રાજીવકુમાર સામે ફૂંફાડો મારીને એવો કટાક્ષ કર્યો હતો કે તમારે ચુંટણીમાં ઊભા રહી જવું જોઈએ. તમે અત્યાર સુધીમાં ઘણા કબાડા કરી નાખ્યા છે . આમ કહીને કેજરીએ પક્ષપાટનો આરોપ મૂક્યો હતો. કેજરીએ કહ્યું હતું કે રિટાયર થયા બાદ તેઓ નોકરી કરવા માંગે છે તેવું લાગે છે . એમણે દિલ્હીની કોઈ એક બેઠક પર ઉમેદવારી કરવી જોઈએ.