દેશના મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડે સુપ્રીમ કોર્ટમાં કેસોને મુલતવી રાખવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે, સુપ્રીમ કોર્ટને તારીખ પે તારીખ વાળી કોર્ટ ન બનવા દઈ શકીએ. તેના કારણે કોર્ટની સારી થઈ રહેલી કેસોની ફાયલિંગ અને લિસ્ટિંગની પ્રક્રિયા પર પણ અસર પડે છે. તેમણે બારને અપીલ કરી હતી કે, મામલાને વધુ જરૂર પડવા પર જ મુલતવી રાખો.
ન્યાયમૂર્તિએ એવા મામલાની જાણકારી શેર કરી જેને મુલતવી રાખવાની માંગ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે માત્ર બે મહિનામાં 3,688 કેસોને મુલતવી રાખવાની માંગ કરવામાં આવી છે. જ્યારે મોટાભાગના કેસો તાત્કાલિક સુનાવણી માટે હતા. ચીફ જસ્ટિસે કહ્યું કે, અમે આને તારીખ પે તારીખ વાળી કોર્ટ ન બનવા દઈ શકીએ. જો આટલા મામલા સ્થગિત રહે તો તે કોર્ટની છબી માટે સારું નથી.
તેમણે કહ્યું, હું કોર્ટમાં કેસ દાખલ થવાથી લઈને તે પ્રથમ સુનાવણી માટે આવે ત્યાં સુધીની પ્રક્રિયા પર દેખરેખ રાખી રહ્યો છું. જેથી કરીને એ સુનિશ્ચિત કરી શકાય કે, તેમાં ઓછામાં ઓછો સમય લાગે. જો આપણે આને મારી પાસેના ડેટા સાથે સરખાવીએ તો તે દર્શાવે છે કે આજે 178 એડજર્નમેન્ટ સ્લિપ ફાઈલ કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે, સરેરાશ રોજ 154 એડજર્નમેન્ટ થાય છે. છેલ્લા બે મહીનામાં કુલ 3,688 એડજર્નમેન્ટ છે. તે કેસ દાખલ કરવા અને સુનાવણી માટે સુચિબદ્ધ કરવાના પ્રયત્નને અસફળ બનાવે છે.