દિલ્હીના ભાજપના ઉમેદવારે પ્રિયંકા ગાંધી વિષે શું કહ્યું ? શું થયો વિવાદ ? જુઓ
દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય દંગલે જોર પકડ્યું છે. ભાજપ નેતા અને કાલકાજી વિધાનસભા બેઠકમાંથી ઉમેદવાર રમેશ બિધૂડીએ રવિવારે મોટો વિવાદ જગાવી દીધો હતો. તેમણે કહ્યું હતું કે, દિલ્હીના ‘કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવીશું.’ આ મુદા પર કોંગ્રેસ અને આપ દ્વારા વિરોધ શરૂ થતાં જ થોડીવાર બાદ રમેશે માફી પણ માંગી લીધી હતી.
રમેશ બિધૂડી હંમેશા પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા હોય છે. બિધૂડીનું આ વિવાદાસ્પદ નિવેદન વાયરલ થયા બાદ મીડિયા દ્વારા તેમની પાસેથી સ્પષ્ટીકરણ મગાવવામાં આવ્યું હતું.

લાલુપ્રસાદનો દાખલો આપ્યો
બિધૂડીએ પોતાના વિવાદાસ્પદ નિવેદન પર સ્પષ્ટતા આપવાના બદલે તેને ટેકો આપતાં કહ્યું કે, ‘અગાઉ લાલુ યાદવે પણ હેમા માલિનીના ગાલ જેવા બિહારના રસ્તાઓ બનાવવાનું વચન આપ્યું હતું. જો કોંગ્રેસને આ નિવેદનથી દુઃખ નહોતું થયું તો મારા નિવેદનથી કેમ, હેમા માલિની પણ લોકપ્રિય હિરોઈન છે અને ફિલ્મોના માધ્યમથી ભારતનું નામ રોશન કર્યું છે. જો આ નિવેદન ખોટું છે તો તે નિવેદન પણ ખોટું હતું, તે સમયે કોંગ્રેસે તેનો વિરોધ કેમ ના કર્યો?
રમેશે કહ્યું કે કોંગ્રેસના પવન ખેડા એન્ડ કંપની રાજનીતિમાં આ અંતિમ હદ સુધી પહોંચ્યા છે. તેઓ લોકોની સેવા કરવાના બદલે દલાલીઓ કરી અહીં સુધી આવ્યા છે. મારુ નિવેદન ખોટું કહેતાં પહેલાં લાલુ યાદવના નિવેદનની ટીકા કરવી પડશે.’ જો કે ત્યારબાદ રમેશે માફી માંગી લીધી હતી.
