સામ પિત્રોડાએ પોતાના વિશે શું કરી ચોખવટ ? કયા આરોપનો જવાબ આપ્યો ? વાંચો
ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા લગાવવામાં આવેલા જમીન કૌભાંડના આરોપોને નકારી કાઢતા ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ પ્રમુખ સામ પિત્રોડાએ સ્પષ્ટ કર્યું છે કે, ‘મારી પાસે ભારતમાં કોઈ ઘર, જમીન કે શેર નથી.’ તેમણે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા અને કહ્યું કે, મને કારણ વગર આ વિવાદમાં ઢસડવામાં આવી રહ્યો છે.
ભાજપ નેતા એન.આર.રમેશે આરોપ લગાવ્યો હતો કે, સામ પિત્રોડાએ વન વિભાગના અધિકારીઓ સહિત પાંચ સીનિયર સરકારી અધિકારીઓની મિલીભગતથી બેંગલુરુના યેલહંકામાં 12.35 એકર સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરી લીધો છે. આ જમીનની કિંમત લગભગ 150 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ મામલે બ્રુહત બેંગલુરુ મહાનગર પાલિકાના પૂર્વ કાઉન્સિલર રમેશે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને કર્ણાટક લોકાયુક્તમાં ફરિયાદ નોંધાવી હતી.
સામ પિત્રોડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર નિવેદન આપીને કહ્યું કે, ‘તાજેતરમાં ભારતીય મીડિયામાં ચાલી રહેલી ખબરોને જોતા સ્પષ્ટ કરવા માગુ છું કે, મારી પાસે ભારતમાં કોઈ સંપત્તિ નથી. મારી પાસે ભારતમાં કોઈ ઘર, જમીન કે શેર નથી.’ તેમણે પોતાના વિરુદ્ધ લગાવવામાં આવેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે .
ભાજપના નેતા એન.આર.રમેશે જણાવ્યું હતું કે, પિત્રોડાએ 23 ઓક્ટોબર, 1993ના રોજ મુંબઈ મહારાષ્ટ્ર સ્થિત રજિસ્ટ્રાર ઓફ કો-ઓપરેટિવ સોસાયટીઝની ઓફિસમાં ફાઉન્ડેશન ફોર રિવાઇટલાઇઝેશન ઓફ લોકલ હેલ્થ ટ્રેડિશન્સ નામની સંસ્થા રજિસ્ટ્રર કરી હતી. પિત્રોડાએ કર્ણાટક રાજ્ય વન વિભાગને ઔષધીય વનસ્પતિઓના સંરક્ષણ અને સંશોધન માટે એક અનામત વન વિસ્તાર લીઝ પર આપવા વિનંતી કરી હતી.