લોકસભામાં રાહુલ ગાંધીએ શું કહ્યું ? કઈ વાતો પર થઈ બબાલ ? જુઓ
કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં સોમવારે બજેટ પરની ચર્ચામાં ભાગ લઈને ભાષણ આપ્યું હતું અને આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકારે દેશના યુવાનો, ખેડૂતો, નાના વેપારીઓ અને મહિલાઓને અભિમન્યુ જેવા કમળ આકારના ચક્રવ્યૂહમાં ફસાવ્યા છે. એમણે કહ્યું કે સત્તાધારી પક્ષ ચક્રવ્યૂહ બનાવે છે, પરંતુ કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષ આ ચક્રવ્યૂહને તોડી નાખે છે.
રાહુલે પેપર લીકનો મુદ્દો તથા ખેડૂતોની એમએસપી અને યુવાઓની બેરોજગારીના મુદ્દા ઉઠાવ્યા હતા. ટેક્સ ટેરરિઝમના આરોપ સાથે પછાત, દલિત વર્ગ અને યુવાઓને બજેટમાં કશું અપાયું નથી તેમ કહીને એવો આરોપ મૂક્યો હતો કે વડાપ્રધાને કોરોનાકાળમાં મિડલ ક્લાસ પાસે થાળી વગાડાવી હતી અને બજેટમાં આ વર્ગની છાતીમાં છરો ભોંકી દીધો છે. દેશમાં આજે ડરનો માહોલ છે. હિંસા અને નફરત દેશની પ્રકૃતિ નથી.
સોમવારે બપોરે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધીને બજેટ પર ચર્ચા કરવા આમંત્રણ આપ્યું હતું. રાહુલ ગાંધીએ તેમના છેલ્લા ભાષણમાં ભગવાન શિવ અને અહિંસાનો ઉલ્લેખ કર્યો હતો. આ વખતે તેમણે મહાભારતના યુદ્ધનો ઉલ્લેખ કરતાં કહ્યું- “હજારો વર્ષ પહેલાં હરિયાણાના કુરુક્ષેત્રમાં એક યુવકને 6 યોદ્ધાઓએ ચક્રવ્યૂહમાં ફસાવીને મારી નાખ્યો હતો. ચક્રવ્યુહમાં ભય અને હિંસા છે. આ ભય અને હિંસામાં ફસાઈને એક યુવાન યોદ્ધાનું મૃત્યુ થયું હતું.”
એમણે કહ્યું કે ચક્રવ્યુહનું બીજું નામ ‘પદ્મવ્યુહ’ છે. ચક્રવ્યુહની રચના કમળના ફૂલ જેવી હોવાથી તેને પદ્મવ્યુહ પણ કહેવામાં આવે છે. તેમણે કહ્યું કે 21મી સદીમાં એક નવું ચક્રવ્યુહ તૈયાર થયું છે. અને તે પણ કમળના આકારમાં છે. રાહુલે કહ્યું કે મહાભારતના યુદ્ધમાં જે રીતે અભિમન્યુ ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો હતો, આજે તે જ રીતે દેશના લોકો ફસાયા છે. દેશના યુવાનો સાથે, ખેડૂતો સાથે, નાના અને મધ્યમ ઉદ્યોગો સાથે અન્યાય છે. અમારી માતાઓ અને બહેનોમાં ડર ફેલાયો છે. નાના વેપારીઓ ટેક્સ ટેરરીઝમમાં ફસાયા છે. બજેટમાં યુવાઓ માટે કઈ અપાયું નથી. પછાત અને દલિતો માટે કાઇ આપ્યું નથી. એમણે ચેલેન્જ કરી હતી કે અમે જાતિ જનગણના કરાવશું અને એમએસપી પણ આપશુ.
રાહુલ ગાંધીએ કહ્યું કે અભિમન્યુની હત્યા છ લોકોએ કરી હતી. આજે પણ ચક્રવ્યુહના કેન્દ્રમાં માત્ર છ લોકો જ છે. જેમ મહાભારતના સમયમાં ચક્રવ્યુહને છ લોકો નિયંત્રિત કરતા હતા, આજે પણ છ લોકો જ તેને નિયંત્રિત કરી રહ્યા છે.
ઓમ બિરલાએ નિયમ બતાવ્યો
રાહુલે આ છ લોકોમાં વડાપ્રધાન અને ગૃહમંત્રી, મોહન ભાગવત, ડોભાલ અને અદાણી , અંબાણીના નામ લીધા હતા. આટલું બોલતાની સાથે જ શોરબકોર થયો. આના પર અધ્યક્ષ ઓમ બિરલાએ બધાને શાંત કર્યા અને કહ્યું- “માનનીય સભ્ય, તમે બંધારણીય પદ પર છો. અને ઘણા સભ્યોએ મને લેખિતમાં જણાવ્યું છે કે જેઓ ગૃહના સભ્ય નથી, તેમના નામનો ઉલ્લેખ ન કરવો. તેમણે કહ્યું કે હું અપેક્ષા રાખું છું કે વિરોધ પક્ષના નેતા ગૃહના નિયમો અને સરંજામનું પાલન કરે.
અગ્નિવીરો સાથે અન્યાય
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે અગ્નિપથના ચક્રવ્યૂહમાં સેનાના જવાનો ફસાયા છે. બજેટમાં અગ્નિવીર જવાનોને પેન્શન માટે પૈસા આપવામાં આવ્યા નથી. તેમણે કહ્યું કે અન્નદાતાએ તમારા ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવા માટે તમારી પાસેથી એક જ વાત માંગી છે કે તમે MSPની કાયદેસર ગેરંટી આપો, પરંતુ તે આપવામાં આવી નથી.
રાજનાથ સિંઘે રાહુલની વાત કાપી
રાજનાથ સિંઘે રાહુલના આ વિધાન સામે વાંધો લઈને કહ્યું હતું કે દેશની રક્ષાની જવાબદારી જેમના માથે છે તે સેના વિષે ખોટી વાત કરવી જોઈએ નહીં. આ સંવેદનશીલ વાત છે. વિપક્ષના નેતા ભ્રમ ફેલાવી રહ્યા છે.
રિજીજુએ પણ રાહુલને નિયમ બતાવ્યો
રાહુલે ભાષણમાં સરકાર પર પ્રહાર કરવા સાથે અદાણી અને અંબાણીના નામ લીધા ત્યારે સ્પીકરે એમને રોક્યા તો રાહુલે એવો જવાબ આપ્યો હતો કે મને ટેકનિકલ વાતોની ખબર નથી. તરત જ કાયદા મંત્રી રિજીજુએ ઊભા થઈને કહ્યું હતું કે વિપક્ષના નેતાને નિયમોની જ ખબર નથી તે કમનસીબી છે.