રાહુલ ગાંધી અમેરિકામાં શું બોલ્યા ? કોના પર લગાવ્યા આરોપ ?
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે ગયા છે. તેમણે અમેરિકાના ડલાસમાં ટેક્સાસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ પર પણ નિશાન સાધ્યુ હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે, આરએસએસનું માનવું છે કે, ભારત એક વિચાર છે અને અમારું માનવું છે કે, ભારત વિચારોની બહુવિધતા છે.
અમારું માનવું છે કે, તમામ લોકોને તેમાં ભાગ લેવાની મંજૂરી આપવી જોઈએ, સપના જોવાની મંજૂરી આપવી જોઈએ અને તેમની જાતિ, ભાષા, ધર્મ, પરંપરા કે ઇતિહાસની પરવાહ કર્યા વિના તેમને સ્થાન આપવું જોઈએ. સંઘ એમ માને છે કે મહિલાઓ ઘરમાં જ રહે, રાંધે અને ઓછું બોલે.
તેમણે કહ્યું કે, ચૂંટણીમાં આ લડાઈ વધુ સ્પષ્ટ થઈ ગઈ જ્યારે ભારતના લાખો લોકોને એ સમજાઈ ગયું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના બંધારણ પર હુમલો કરી રહ્યા છે. મેં તમને જે પણ કહ્યું તે બધું બંધારણમાં છે. આધુનિક ભારતનો પાયો બંધારણ છે.
રાહુલ ગાંધીએ ભારતીય મહિલાઓની વાત કરતાં કહ્યું કે, હું મહિલા સશક્તિકરણમાં વિશ્વાસ રાખું છું. એ સુનિશ્ચિત કરવું કે મહિલાઓને બિઝનેસમાં તક મળે અને જો તેઓ ખુદનો બિઝનેસ શરુ કરવા માગે તો તેમને આર્થિક મદદ કરવી અને મહિલાઓ માટે ભાગીદારીને સરળ બનાવવી જોઈએ. મહિલાઓ પાસે અનેક મુદ્દા છે. જેને આપણે તેમની ભાગીદારીને સક્ષમ કરવા માટે સંબોધિત કરવાની જરૂર છે. પ્રથમ પગલું એ કે, મહિલાઓને પુરુષ સમાન જોવી, એ સ્વીકાર કરવો કે, તેઓ એ બધું જ કરી શકે છે જે એક પુરુષ કરી શકે છે અને તેમની તાકાત ઓળખવી.
રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, આ ભાજપ અને અમારી વચ્ચે વૈચારિક સંઘર્ષનો હિસ્સો છે. ભાજપ અને આરએસએસનું માનવું છે કે, મહિલાઓને પરંપરાગત ભૂમિકાઓ સુધી જ સીમિત રાખવી જોઈએ જેમ કે, ઘરમાં રહેવું, ભોજન રાંધવુ અને ઓછું બોલવું. અમારું માનવું છે કે, મહિલાઓને એ બધું કરવાની આઝાદી મળવી જોઈએ જે તેઓ કરવા માગે છે.