રાહુલ ગાંધીએ અમેરિકામાં અનામત અંગે શું કહ્યું ? જુઓ
અમેરિકાના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીએ મંગળવારે અનામતને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, “કોંગ્રેસ ત્યારે જ અનામત ખતમ કરવાનું વિચારશે જ્યારે દેશમાં દરેકને સમાન તકો મળવા લાગશે. હાલમાં ભારતમાં એવી સ્થિતિ નથી.” સામાન્ય ચુંટણી અંગે એમણે એવો આરોપ મૂક્યો હતો કે ચુંટણી નિષ્પક્ષ રીતે થઈ નથી. જો એવી રીતે થાત તો ભાજપ 246 બેઠકોની નજીક પણ નહોત.
વોશિંગ્ટન ડીસીની જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં રાહુલને પૂછવામાં આવ્યું કે ભારતમાં આરક્ષણ ક્યાં સુધી ચાલુ રહેશે? જેના જવાબમાં રાહુલ ગાંધીએ ઉપર મુજબ જણાવ્યું હતું. જો કે દેશમાં ભાજપના નેતાઓએ એમના વિધાનની ટીકા કરી છે.
અનામત અંગેના નિવેદન બાદ માયાવતીએ તેમના નિવેદનની નિંદા કરી હતી. તેમણે કહ્યું, “રાહુલના નાટકથી સાવધાન રહો, તેઓ અનામત ખતમ કરવાનું ષડયંત્ર કરી રહ્યા છે.”
રાહુલે અમેરિકામાં આપેલા વધુ એક નિવેદન માટે વિરોધીઓએ તેમની નિંદા કરી છે. રાહુલે કહ્યું હતું કે, ભારતમાં શીખ સમુદાયમાં ચિંતા છે કે શું તેમને પાઘડી અને બ્રેસલેટ પહેરવાની મંજૂરી આપવામાં આવશે કે નહીં? શું તેઓ ગુરુદ્વારા જઈ શકશે? આ માત્ર શીખો માટે જ નહીં પરંતુ તમામ ધર્મો માટે ચિંતાનો વિષય છે.
આ અંગે બીજેપી નેતા હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે, “ભારતમાં જ્યારે રાહુલનો પરિવાર સત્તામાં હતો ત્યારે જ શીખોને ડર લાગતો હતો. હું 6 દાયકાથી પાઘડી પહેરું છું.” બીજેપી પ્રવક્તા આરપી સિંહે કહ્યું છે કે શીખો પરના તેમના નિવેદનને લઈને રાહુલને કોર્ટમાં ખેંચવામાં આવશે.