મોસ્કોમાં ભારતીય સમુદાયને વડાપ્રધાન મોદીએ શું કહ્યું ? જુઓ
વડાપ્રધાન મોદી રશિયાના પ્રવાસના બીજા દિવસે મંગળવારે મોસ્કોમાં ભારતીય સમુદાયની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં રશિયામાં સ્થાયી થયેલા ભારતીય સમુદાયને સંબોધિત કરીને કહ્યું હતું કે મને અહીં રહેલા ભારતીયો પર ગર્વ છે. બંને દેશોના સંબંધોને વિસ્તારવામાં તમે મહત્વનું યોગદાન આપ્યું છે. હવે ભારત આવનારા વર્ષોમાં દુનિયાના વિકાસનો નવો અધ્યાય લખશે. આજે ગ્લોબલ ઇકોનોમી ગ્રોથમાં ભારતનું યોગદાન 15 ટકા થયું છે. ભારતના વિકાસની રફ્તારથી દુનિયામાં ચર્ચા છે. ભારત ડિજિટલ વ્યવહારમાં દુનિયાનું સૌથી મોટું મોડેલ છે.
એમણે એમ પણ કહ્યું હતું કે પડકારને પડકારવું મારા ડીએનએમાં છે. અમે અત્યાર સુધી જે વિકાસ કર્યો છે તે માત્ર ટ્રેલર છે. આગામી 10 વર્ષમાં સેમિકન્ડક્ટરથી મેન્યુફેક્ચરિંગ, ગ્રીન હાઇડ્રોજનથી ગ્રીન વ્હિકલ સુધીની ભારતની નવી ગતિ વિશ્વના વિકાસનું પ્રતીક બની રહેશે.
એમણે કહ્યું કે ‘હું આજે તમારી સાથે એક સારા સમાચાર શેર કરવા માંગુ છું. રશિયાના કઝાન અને યાકિટારિમ્બર્ગમાં ભારતના બે નવા કોન્સ્યુલેટ ખોલવામાં આવશે. જેનાથી અહીં આવવા જવા તેમજ વ્યાપાર વધુ સરળ બનશે.’ વધુમાં કહ્યું કે ‘રાષ્ટ્રપતિ પુતિને યુદ્ધ ક્ષેત્રમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. રાષ્ટ્રપતિ પુતિનના 20 વર્ષના શાસન દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે. ભારત-રશિયા મિત્રતા હંમેશા સકારાત્મક છે. રાજ કપૂર અને મિથુન ચક્રવર્તીએ બંને દેશો વચ્ચેની મિત્રતા મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.’
દોસ્તી સદા બહાર રહી છે
વડાપ્રધાન મોદીએ પોતાની અગાઉની મુલાકાતની વાત કરતા જણાવ્યું કે ‘છેલ્લા 10 વર્ષમાં છ વખત રશિયા આવ્યો છું અને અમે (પુતિન) છેલ્લા દસ વર્ષમાં 17 વખત મળ્યા છીએ. હું મારા મિત્ર રાષ્ટ્રપતિ પુતિનનો આભારી છું, ભારત અને રશિયા ખભે ખભા મિલાવીને ચાલી રહ્યા છે.
રાજ કપૂરની ફિલ્મનું ગીત યાદ કર્યું
આ દરમિયાન વડાપ્રધાને રાજ કપૂરની ફિલ્મનું ભારે લોકપ્રિય ગીત પણ યાદ કર્યું હતું . સર પે લાલ ટોપી રૂસી, ફીર ભી દિલ હે હિન્દુસ્તાની કહીને મોદીએ કહ્યું હતું કે આજે વર્ષોથી આ ગીત બંને દેશોમાં ગવાય છે અને ભારત તથા રશિયાના અનોખા સંબંધ બતાવે છે. રાજ કપૂર અને મિથુન ચક્રવર્તીના નામ પણ મોદીએ લીધા હતા.