- મહિલાઑ વિરુધ્ધના અપરાધ કેસમાં ઝડપી ન્યાય જરૂરી ; મોદી
- વડાપ્રધાને ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદને સંબોધન દરમિયાન આપ્યું નિવેદન; આવા અત્યાચાર રોકવા કડક કાયદાનો અમલ થવો જોઈએ; ન્યાયતંત્રના વખાણ કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં વધી રહેલા મહિલા- બાળકો સામેના અત્યાચારના બનાવોથી ભારે વ્યથીત છે અને સતત તેઓ તેની વિરુધ્ધ બોલી રહ્યા છે. એમણે શનિવારે ભારત મંડપમ ખાતે જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરી હતી. સંબોધન દરમિયાન, નરેન્દ્ર મોદીએ મહિલાઓ વિરુદ્ધ અપરાધોના કેસોમાં ઝડપી ન્યાયની હિમાયત કરી હતી. એમણે કહ્યું હતું કે મહિલાઓ અને બાળકો વિરુધ્ધના અપરાધો બદલ કડક કાર્યવાહી અને કાયદાનો અમલ જરૂરી છે.
એમણે કહ્યું કે ઝડપી ન્યાય મળવાથી મહિલાઓમાં સુરક્ષાને લઈને આત્મવિશ્વાસ વધશે. “ન્યાયપાલિકાને બંધારણની રક્ષક માનવામાં આવે છે અને સુપ્રીમ કોર્ટ અને ન્યાયતંત્રએ આ જવાબદારી સારી રીતે નિભાવી છે.”
‘ક્યારેય અવિશ્વાસ દર્શાવ્યો નથી’
મોદીએ દેશના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની હાજરીમાં કહ્યું, “દેશની જનતાએ ક્યારેય સુપ્રીમ કોર્ટ કે ન્યાયતંત્ર પ્રત્યે અવિશ્વાસ દર્શાવ્યો નથી.” કટોકટી લાદવાની પ્રક્રિયાને “અંધકાર” સમયગાળા તરીકે વર્ણવતા, વડા પ્રધાને કહ્યું કે ન્યાયતંત્રે મૂળભૂત અધિકારો જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
કોલકાતા મર્ડર કેસ પર શું કહ્યું?
રાષ્ટ્રીય સુરક્ષાની બાબતો પર, મોદીએ કહ્યું, “ન્યાયતંત્રે રાષ્ટ્રીય હિતોને સર્વોપરી રાખીને રાષ્ટ્રીય અખંડિતતાનું રક્ષણ કર્યું છે. કોલકાતામાં મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા અને થાણેની એક શાળામાં બે છોકરીઓની જાતીય સતામણીના કેસના ઉપલક્ષમાં તેમણે જણાવ્યું હતું કે મહિલાઓ સામે અત્યાચાર અને બાળકોની સુરક્ષા એ સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય છે.
એમણે વધુમાં કહ્યું હતું કે “મહિલાઓ પર થતા અત્યાચારના મામલામાં જેટલો ઝડપી ન્યાય આપવામાં આવે છે, તેટલી જ અડધી વસ્તી તેમની સુરક્ષાને લઈને વધુ આત્મવિશ્વાસ ધરાવશે. મહિલાઓ સામેના ગુનાઓનો સામનો કરવા માટે ઘણા કડક કાયદા છે અને ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. “ફોજદારી ન્યાય પ્રણાલીમાં વધુ સારા સંકલનની ખાતરી કરવાની જરૂર છે.”