વડાપ્રધાન મોદીએ સિંગાપુર પહોંચી શું કર્યું ? શું વગાડ્યું ? વાંચો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 સપ્ટેમ્બરે બ્રુનેઈની મુલાકાતે રવાના થયા હતા. તેમની મુલાકાત દરમિયાન, દેશના સુલતાન હસનલ બોલ્કિયાને મળ્યા અને ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બ્રુનેઈની મુલાકાત બાદ મોદીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને કહ્યું કે, મારી બ્રુનેઈની મુલાકાત ઘણી ફળદાયી રહી. તેમણે એમ પણ કહ્યું કે તેમની મુલાકાતથી હવે ભારત અને બ્રુનેઈ વચ્ચેના સંબંધો વધુ મજબૂત થયા છે. બંને દેશો વચ્ચે જલ્દી ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થશે. આર્થિક, વૈજ્ઞાનિક અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં અમારા સહયોગને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
મોદીએ બ્રુનેઈમાં દ્વિપક્ષીય મંત્રણા દરમિયાન કહ્યું કે, હું આ ઉષ્માભર્યા સ્વાગત માટે મહારાજ અને સમગ્ર શાહી પરિવારનો આભાર વ્યક્ત કરું છું. તેમણે કહ્યું કે, જો કે ભારતીય વડાપ્રધાનની બ્રુનેઈની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે, પરંતુ દરેક ક્ષણે અમને અહીં બંને દેશો વચ્ચેના વર્ષો જૂના સંબંધોનો અહેસાસ થઈ રહ્યો છે.
અનેક પાસાઓ પર ચર્ચા થઈ
આ વર્ષે બ્રુનેઈની આઝાદીની 40મી વર્ષગાંઠ છે, તેમણે સુલતાનને સંબોધતા કહ્યું, “તમારા નેતૃત્વમાં, બ્રુનેઈએ પ્રગતિ હાંસલ કરી છે. 140 કરોડ ભારતીયો વતી હું તમને અને બ્રુનેઈના લોકોને અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. મોદીએ કહ્યું, આ પ્રસંગે અમે ઘણા પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરી છે. અમે આર્થિક, વૈજ્ઞાનિક અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં અમારા સહયોગને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
ડાયરેક્ટ ફ્લાઈટ્સ
તેમજ મોદીએ કહ્યું કે, બંને દેશોની કનેક્ટિવિટી વધારવા માટે ટૂંક સમયમાં સીધી ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે કૃષિ, ઉદ્યોગ અને આરોગ્ય ઉપરાંત ટેકનોલોજી અને સાયબર ટેકનોલોજી પર ભાર આપવાનું નક્કી કર્યું છે. તેમજ ઉર્જા ક્ષેત્રે આગળ વધવા માટે ચર્ચા કરવામાં આવી છે. સંરક્ષણ ક્ષેત્રમાં સહકાર વધારવા પર પણ વિચારણા કરવામાં આવી છે.