રદ થયેલા 3 કૃષિ કાયદા અંગે કેજરીવાલે શું ધડાકો કર્યો ? શું કહ્યું ? જુઓ
હરિયાણા-પંજાબ બોર્ડર પર ખેડૂતોના આંદોલનની ગરમી દિલ્હી સુધી પહોંચી ગઈ છે. 2021માં પાછા ખેંચાયેલા ત્રણ કૃષિ કાયદાઓ પર ફરી એકવાર રાજકીય હુમલા શરૂ થયા છે. ભાજપ અને આમ આદમી પાર્ટી એકબીજા પર ખેડૂતોની અવગણના કરવાનો આરોપ લગાવી રહી છે. કેજરીવાલે ગુરુવારે એવું નિવેદન કર્યું હતું કે સરકાર ૩ રદ થયેલા કાળા કાયદા પાછા લાવી રહી છે.
દરમિયાન, કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા ખેડૂત મુદ્દાઓ પર આતિશીને લખેલા પત્ર પછી, અરવિંદ કેજરીવાલ પણ શબ્દ યુદ્ધમાં જોડાયા. તેમણે કહ્યું કે ત્રણ વર્ષ પહેલા ખેડૂતોના આંદોલનને કારણે જે ત્રણ કાળા કાયદા પાછા ખેંચવામાં આવ્યા હતા, તેને પાછલા બારણેથી ‘નીતિ’ કહીને ફરીથી લાગુ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પોલિસીની કોપી વિચારણા માટે મોકલી છે.
કેજરીવાલે કહ્યું- પંજાબમાં ખેડૂતો ઘણા દિવસોથી હડતાળ અને અનિશ્ચિતકાળના ઉપવાસ પર બેઠા છે. તેમની માંગણીઓ એ જ છે જે ત્રણ વર્ષ પહેલા કેન્દ્ર સરકારે સ્વીકારી હતી, પરંતુ હજુ સુધી તેનો અમલ કર્યો નથી.
પંજાબના ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલ એમએસપીની કાયદેસર ગેરંટી સહિતની અનેક માંગણીઓને લઈને અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ પર બેઠા છે. તેમની તબિયત સારી નથી. ખેડૂત નેતાઓએ પહેલેથી જ ચેતવણી આપી છે કે જો દલ્લેવાલને કંઈ થશે તો તેના પરિણામો ખૂબ જ ખરાબ આવશે.