ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ પાક અંગે શું કહ્યું ? જુઓ
ભારતીય જનતા પાર્ટીના સાંસદ નિશિકાંત દુબેએ પાકિસ્તાન પર પ્રહાર કર્યા છે. તેમણે X પર પોસ્ટ કરીને કહ્યું છે કે પાકિસ્તાન સાથે જોડાયેલ આતંકવાદનો એક નવો ચહેરો હવે સામે આવ્યો છે. દુબેએ પાકિસ્તાની છોકરીઓનો મુદ્દો ઉઠાવ્યો જે લગ્ન પછી ભારત આવી છે. પરંતુ તેમને હજુ સુધી ભારતીય નાગરિકતા મળી નથી.
ભાજપના સાંસદે કહ્યું, ‘પાકિસ્તાની આતંકવાદનો એક નવો ચહેરો હવે સામે આવ્યો છે. લગ્ન કર્યા પછી 5 લાખથી વધુ પાકિસ્તાની છોકરીઓ ભારતમાં રહે છે, પરંતુ તેમને આજ સુધી ભારતીય નાગરિકતા મળી નથી. અંદર ઘૂસી ગયેલા આ દુશ્મનો સામે કેવી રીતે લડવું?’ આ પરિસ્થિતિ ગંભીર ખતરા તરફ ઈશારો કરી રહી છે.
આ નિવેદન 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે આવ્યું છે, જેમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ પછી, ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી અને 27 એપ્રિલથી તાત્કાલિક અસરથી લાંબા ગાળાના, રાજદ્વારી અને સત્તાવાર વિઝા સિવાય પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા તમામ શ્રેણીના વિઝા રદ કર્યા.
નિશિકાંત દુબે તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટ અંગે કરેલા નિવેદનને પગલે ભારે ચર્ચામાં રહ્યા હતા . હવે એમણે પાકિસ્તાન તરફથી અલગ પ્રકારના ખતરા સામે સરકારને સાવધ કરવાનો પ્રયાસ કર્યો છે.