કોંગી નેતા સેમ પિત્રોડાએ ચીન અંગે શું વિવાદિત નિવેદન આપ્યું ? શું બોલ્યા ?
કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા સેમ પિત્રોડા વારંવાર વિવાદિત નિવેદનો કરવા માટે જાણીતા છે અને ફરીવાર એમણે અતિ સંવેદનશીલ મામલામાં વિચિત્ર વિધાનો કર્યા હતા. એમણે ચીન અંગે આપેલા નિવેદનથી વિવાદ ઉભો થઇ ગયો છે. તેમનું માનવું છે કે, ભારતે ચીનને દુશ્મન દેશ માનવાનું બંધ કરી દેવું જોઈએ. તેમના નિવેદનને લઈને ભાજપે કોંગ્રેસ નેતા પર આકરા પ્રહારો કર્યા હતા. આગાઉ પણ સેમ પિત્રોડા પોતાની નિવેદનબાજીને લઈને ચર્ચામાં રહી ચૂકયા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર પિત્રોડાએ જણાવ્યું હતું કે, ‘મને ખબર નથી પડતી કે ચીનથી શું ખતરો છે? મને લાગે છે કે આ મુદ્દાને હંમેશા વધારે પડતો ચગાવવામાં આવે છે. કારણ કે, અમેરિકાનો સ્વભાવ દુશ્મન બતાવવાનો છે. હવે સમય આવી ગયો છે કે બધાં દેશો એકજુટ થઇ જાય અને એકબીજા સામે અથડામણ ન કરે.’
પિત્રોડાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ‘શરૂઆતથી જ આપણું વલણ બીજા સાથે અથડામણ કરવાનું રહ્યું છે અને આ જ પદ્ધતિ દુશ્મનો બનાવે છે. જેને લઈને પહેલા દેશમાં સમર્થન ઉભું કરવામાં આવે છે. આપણે આ માનસિકતાને બદલવી પડશે અને ચીન પહેલાથી જ આપણું દુશ્મન છે તેવું માનવાનું બંધ કરવું પડશે. આ ખોટી બાબત છે.
ભાજપે આક્રમક પ્રતિક્રિયા આપી રાહુલ ગાંધીને ઘેર્યા
દરમિયાનમાં ભાજપના પ્રવક્તા તુહીન સિંહાએ આ મુદ્દા પર પ્રતિક્રિયા આપીને રાહુલ ગાંધી પર શાબ્દિક હુમલો કર્યો હતો. એમણે કહ્યું હતું કે જે લોકોએ આપણી ૪૦ વર્ગ કિલોમીટર જમીન ચીનને આપી દીધી એમને આજે ચીનથી કોઈ ખતરો દેખાતો નથી. કોઈ આશ્ચર્યની વાત નથી કે રાહુલ ગાંધી ચીનથી ડરે છે. કોંગ્રેસને પહેલાથી જ ચીનનું આકર્ષણ રહ્યું છે. આ મુદ્દા પર બંને પક્ષો વચ્ચે નિવેદનબાજી ફરી શરૂ થઈ છે .