- મંકીપોકસ અંગે તમામ રાજ્યોને એલર્ટ કરતી કેન્દ્ર સરકાર
- એડવાઇઝરી આપી : શંકાસ્પદ કેસ મળે તો કોન્ટેક્ટ ટ્રેસ કરવા સહિતની સૂચના આપી : દિલ્હીમ એક શંકાસ્પદ કેસ બાદ સાવચેતી
દિલ્હીમાં એમપોક્સ એટલે કે મંકીપોકસનો શંકાસ્પદ કેસ નોંધાયા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે એડવાઈઝરી જાહેર કરી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ અપૂર્વ ચંદ્રાએ આ એડવાઈઝરી બહાર પાડીને સાવચેત રહેવા કહ્યું છે. એરપોર્ટ પર પણ તકેદારી વધારવામાં આવશે. જો કોઈ શંકાસ્પદ દર્દી સામે આવે તો તેની તાત્કાલિક તપાસ કરવામાં આવશે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોને એમપોક્સના શંકાસ્પદ દર્દીઓની તપાસ કરવા, ચેપની પુષ્ટિ થાય તો તેમને અલગ રાખવા અને ચેપનું જોખમ ઘટાડવા માટે સંપર્ક ટ્રેસિંગ કરવા સલાહ આપી છે.
શું કહ્યું હતું એડવાઈઝરીમાં?
એડવાઈઝરી જણાવે છે કે NIV પુણેની તપાસમાં એક પણ પુષ્ટિ થયેલ કેસ બહાર આવ્યો નથી. એરપોર્ટ પર શંકાસ્પદ દર્દીઓ જોવા મળે તો તાત્કાલિક આરોગ્ય તપાસ કરાવવા સૂચના આપવામાં આવી છે. રાજ્ય એઇડ્સ નિયંત્રણ સમિતિઓને પણ મંકીપોકસ અંગે જાગૃતિ વધારવા માટે અપીલ કરવામાં આવી છે. એડવાઈઝરીમાં શંકાસ્પદ અને કન્ફર્મ કેસના કિસ્સામાં આઈસોલેશનની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. શંકાસ્પદ દર્દીનું કોન્ટ્રાક્ટ ટ્રેસિંગ કરવાની સલાહ આપવામાં આવી છે.
18 થી 44 વર્ષની વયના લોકો શિકાર
એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે મોટાભાગના કેસો 18 થી 44 વર્ષની વચ્ચેના પુરુષોના છે.
આ વાયરસ જાતીય સંપર્ક દ્વારા સૌથી વધુ ફેલાય છે. આ પછી તે અન્ય માધ્યમો દ્વારા એકબીજામાં ફેલાય છે.
જો આપણે લક્ષણો વિશે વાત કરીએ તો, દર્દીઓમાં ફોલ્લીઓ અને તાવ જોવા મળ્યો છે.
લગભગ અડધા કેસોમાં, દર્દીઓ એચઆઈવીથી પણ સંક્રમિત જોવા મળ્યા છે. કેન્દ્ર સરકારે આ માટે તમામ રાજ્યોને જાગૃત રહેવા અને બધી તૈયારી રાખવાની સલાહ આપી છે.