જમ્મુ-કાશ્મીરમાં આતંકી સહાયકો સામે શું લેવાયા પગલાં ? જુઓ
જમ્મુ કાશ્મીરમાં આતંકના ટેકેદાર લોકો સામે આકરા પગલાં લેવાનું અભિયાન ચાલુ જ રહ્યું છે અને હવે સરકારી કર્મીઓ પણ આ પ્રવૃત્તિમાં સામેલ હોવાનું બહાર આવ્યું છે. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ટેરર લિંકના કારણે જમ્મુ કાશ્મીરના 3 સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધાં છે. સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં જમ્મુ કાશ્મીર પોલીસનો એક કોન્સ્ટેબલ ફિરદોસ ભટ્ટ પણ સામેલ છે, જે પોલીસમાં રહીને લશ્કર માટે કામ કરતો હતો.
મનોજ સિન્હાએ એક પોલીસ કોન્સ્ટેબલ, એક શિક્ષક અને વન વિભાગના એક કર્મચારી સહિત 3 સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. . ત્રણેય કર્મચારી અલગ-અલગ આતંકવાદ સાથે જોડાયેલા મામલામાં જેલમાં કેદ છે. આ મોટી કાર્યવાહી ઉપરાજ્યપાલની અધ્યક્ષતામાં સુરક્ષા સમીક્ષા બેઠકના એક દિવસ બાદ કરવામાં આવી હતી.

બેઠકમાં ઉપરાજ્યપાલે પોલીસ અને સુરક્ષા એજન્સીઓને આતંકવાદીઓ અને પડદાની પાછળ છુપાયેલા આતંકી તંત્રને બેઅસર કરવા માટે આતંકવાદ વિરોધી અભિયાન ઝડપી કરવાનો આદેશ આપ્યો હતો. ઉપરાજ્યપાલે એ પણ કહ્યું હતું કે ‘આતંકવાદનું સમર્થન અને ફંડિગ કરનારને ખૂબ ભારે કિંમત ચૂકવવી પડશે.’
વન વિભાગનો કર્મી નિસાર એહમદ આતંકીઓની સહાયતા કરી રહ્યો હતો. તપાસમાં એવું બહાર આવ્યું હતું કે તે હિઝબુલ મુજાહેદીન નામના આતંકી સંગઠનમાં સામેલ થઈ ગયો હતો.
