રાજસ્થાનમાં મોદીએ કેવો આરોપ મૂક્યો ? જુઓ
લોકસભા ચૂંટણી માટે નેતાઓ સતત દેશભરમાં પ્રવાસ કરી રહ્યા છે, જ્યારે વડાપ્રધાન મોદી પણ સતત અલગ-અલગ રાજ્યોનો પ્રવાસ કરી રહ્યા છે. મંગળવારે વડાપ્રધાન મોદી રાજસ્થાનના પ્રવાસે પહોંચ્યા હતા. રાજસ્થાનમાં બીજા તબક્કાની ચૂંટણીનો પ્રચાર બુધવાર, 24 એપ્રિલે સાંજે 6 વાગ્યે સમાપ્ત થશે.
મોદી રાજસ્થાનના ટોંક-સવાઈ માધોપુરમાં આવ્યા કે તરત જ લોકોએ એમના માટે જયજયકાર બોલાવ્યો હતો. જનસભાને સંબોધતા એમણે કહ્યું હતું કે રાજસ્થાને દરેક વખતે ભાજપને પૂરા આશીર્વાદ આપ્યા છે. રામ ભક્ત હનુમાનજીની જન્મજયંતિનો પવિત્ર દિવસ છે. સમગ્ર દેશને હનુમાન જયંતિની શુભકામનાઓ. એમણે બજરંગ બલીની જય બોલાવી હતી. આ દરમિયાન કહ્યું કે કોંગ્રેસના શાસનમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ ગુનો બને છે.
મોદીએ કહ્યું કે સત્ય એ છે કે જ્યારે કોંગ્રેસ ગઠબંધન સત્તામાં હતું ત્યારે તેઓ દલિતો અને પછાત વર્ગોના અનામતમાં કાપ મુકીને તેમની વિશેષ વોટ બેન્ક માટે અલગ અનામત આપવા માંગતા હતા. જ્યારે બંધારણ તેની વિરુદ્ધમાં છે.
અનામતનો જે અધિકાર બાબા સાહેબે દલિતો, પછાત વર્ગો અને આદિવાસીઓને આપ્યો હતો કોંગ્રેસ અને તેનું ગઠબંધન તેને ધર્મના આધારે મુસ્લિમોને આપવા માંગતા હતા. એમણે કહ્યું કે કોંગ્રેસના આ ષડયંત્રો વચ્ચે મોદી આજે તમને ખુલ્લા મંચ પરથી ખાતરી આપી રહ્યા છે કે દલિતો, પછાત વર્ગો અને આદિવાસીઓ માટે અનામત ખત્મ પણ નહી થાય અને તેને ધર્મના નામે વિભાજિત થવા દેવામાં પણ આવશે નહીં.
