16 ઓગસ્ટથી દેશમાં જીએસટી અંગે શું શરૂ થવાનું છે ? જુઓ
જીએસટીને લઈને સરકાર અને તંત્રવાહકો સાબદા બની ગયા છે અને સમગ્ર કાર્યવાહી પારદર્શક બનાવવા માટેના પગલાં પણ વિચારી લેવાયા છે જેના ભાગરૂપે દેશભરમાં 16 ઓગસ્ટથી બોગસ જીએસટી રજીસ્ટ્રેશન વિરુધ્ધ તંત્ર દ્વારા મોટું અભિયાન શરૂ કરવાની તૈયારી કરી લેવાઈ છે. અભિયાન 15 ઓકટોબર સુધી ચાલવાનું છે.
ખોટું કરનારા લોકો પર આફત આવી શકે છે. સીબીઆઇસીના સૂત્રોએ મંગળવારે મીડિયાને આપેલી માહિતી મુજબ ગયા વર્ષે પણ મે માસમાં આ પ્રકારનું અભિયાન ચલાવાયું હતું. જેનાથી રૂપિયા 24 હજાર કરોડની જીએસટી ચોરી બહાર આવી હતી. એ જ રીતે 22 હજાર બોગસ રજીસ્ટ્રેશન પણ પકડાયા હતા.
કેન્દ્ર અને રાજ્યોના વરિષ્ઠ કર અધિકારીઓની બનેલી રાષ્ટ્રીય સમન્વય સમિતિએ પાછલા મહિને વિશેષ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. આ અભિયાનમાં દરેક બાબતની તપાસ કરવામાં આવશે. ખોટું કરનાર સામે સખત પગલાંની તૈયારી કરી લેવાઈ છે.
સૂત્રોએ એવી માહિતી આપી હતી કે જો અભિયાન દરમિયાન જીએસટીઆઈએન બોગસ નીકળે અથવા ઉપલબ્ધ જ ન હોય તો અધિકારી રજીસ્ટ્રેશન રદ કરવા અને આઇટીસી રોકવાની કાર્યવાહી કરશે. આ અભિયાન માટે ક્ષેત્રીય કાર્યાલયોને નિર્દેશ આપી દેવાયા છે. જેમાં એમ જણાવાયું છે કે 16 ઓગસ્ટથી 15 ઓકટોબર સુધી અભિયાન ચાલશે.