મોદી વિશે ભાજપનું શું નવું અભિયાન
શનિવારે પટણા ખાતે મહા ગઠબંધનની રેલીમાં લાલુ પ્રસાદ યાદવે વડાપ્રધાન મોદી વિષે વિવાદિત કોમેન્ટ કરીને એવો ટોણો માર્યો હતો કે, વડાપ્રધાનને પરિવાર જ નથી અને તે પરિવારવાદની વાતો કરે છે. આ બારામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણામાં એક સભા સંબોધતી વખતે લાલુને જોરદાર જવાબ આપ્યો હતો અને એમ કહ્યું હતું કે, સમગ્ર દેશ કહી રહ્યો છે કે, મે હું મોદી કા પરિવાર.
વડાપ્રધાને આ નારો આપ્યા બાદ તરત જ કેન્દ્રીય મંત્રી અમિત શાહ, નીતિન ગડકરી, ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડા સહિતના ભાજપના નેતાઓએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રોફાઇલ બદલી નાખીને મે હું મોદી પરિવાર લખી નાખ્યું હતું. આમ ભાજપના નેતાઓએ પોતાનો નવો પરિચય આપ્યો હતો અને પોતાના નામ પછી મે હું મોદી પરિવાર પોતાના નામની બાજુમાં લખી નાખ્યું હતું.
ભાજપના અનેક ટોચના નેતાઓ અને બીજી ત્રીજી હરોળના નેતાઓએ પણ પોતાની પ્રોફાઇલમાં મે હું મોદી પરિવાર લખી નાખ્યું હતું. લગભગ તમામ કેન્દ્રીય મંત્રીઓએ પોતાના પ્રોફાઇલ આ રીતે બદલી નાખ્યા હતા.
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે જ માંડ માંડ ચાલી રહેલા ઈન્ડિયા ગઠબંધન દ્વારા જે વિવાદ ઉભો કરવામાં આવ્યો છે તેનાથી તેને જ મોટુ નુકસાન થશે અને વડાપ્રધાન પ્રત્યેની સહાનુભૂતિના મત ભાજપના ઉમેદવારોને મળશે તેમ માનવામાં આવે છે.
આ પહેલા પણ ચુંટણીના સમયે જ કોંગ્રેસ દ્વારા ચોકીદાર ચોર હૈ નો આરોપ મૂકવામાં આવ્યો હતો અને ત્યાર બાદ લોકોએ ભાજપને ભરી ભરીને મત આપ્યા હતા અને વડાપ્રધાન સામેના પરિવાર અંગેના આરોપમાં પણ કદાચ આવું જ બની શકે છે.