સુસ્વાગતમ્ સુનિતા !! આખું વિશ્વ ખુશીથી ઝુમી ઉઠ્યું ; 286 દિવસ સુધી અવકાશમાં અટવાયેલા બન્ને અવકાશયાત્રીઓની પૃથ્વી પર સલામત વાપસી
અભૂતપૂર્વ ચઢાવ ઉતારવાળી અવકાશયાત્રાનો સુખદ અંત
ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો… ટિક… ટિક… ટિક… અને વિશ્વના કરોડો લોકો જેની થોડી ચિંતા, થોડી આશંકાઓ અને અપાર આશા સાથે ધડકતે હૃદયે પ્રતીક્ષા કરી રહ્યા હતા, એ ક્ષણ નજીક આવતી જતી હતી. સૌની નજર આકાશ પર મંડાયેલી હતી. ત્યાં જ, અંતે એ ક્ષણ આવી પહોંચી. સુનિતા વિલિયમ્સ અને બચ વિલ્મોરને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી લઈને આવેલું સ્પેસએક્સનું ડ્રેગન સ્પેસક્રાફ્ટ હળવેકથી એટલાન્ટિક મહાસાગરના પાણી પર ઉતર્યું. 286 દિવસના લાંબા અવકાશવાસ બાદ ધરતીના આ સંતાનોનું પૃથ્વી પર આગમન થયું. વિશ્વ ઝૂમી ઉઠ્યું, લાખો હૈયાં નાચી ઉઠ્યાં અને હજારો આંખો હર્ષાશ્રુઓથી ભીંજાઈ ગઈ.
સુનિતા વિલિયમ્સ અને બચ વિલ્મોરે 5 જૂન, 2024ના રોજ બોઈંગના સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટ દ્વારા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માટે ઉડાન ભરી હતી. સ્ટારલાઇનના પ્રથમ માનવ સહિત ઉડાનના પરીક્ષણ કરવાના હેતુ સાથેનું આ મિશન મૂળ રીતે માત્ર 8 દિવસનું હતું. પરંતુ સ્પેસક્રાફ્ટમાં હિલીયમ લીક અને થ્રસ્ટરની સમસ્યાઓ ઉભી થતાં નાસાએ તેને પૃથ્વી પર પરત લાવવું જોખમી ગણ્યું હતું. પરિણામે સ્ટારલાઈનર 6 સપ્ટેમ્બર, 2024ના રોજ ખાલી પરત ફરતાં બંને એસ્ટ્રોનોટ્સનું ISS પર રોકાણ 286 દિવસ સુધી લંબાઈ ગયું હતું.

આ બન્ને અવકાશયાત્રીઓને પરત લાવવા માટે નાસા અને સ્પેસ એક્સ દ્વારા ક્રૂ-10 મિશન હેઠળ ડ્રેગન સ્પેસક્રાફ્ટ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ખાતે મોકલવામાં આવ્યો હતું અને તેમાં બેસાડી બન્ને અવકાશયાત્રીઓને સલામત રીતે પરત લાવવામાં આવ્યા હતા.
નાસા દ્વારા આ આખા ઓપરેશનનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું અને વિશ્વમાં લાખો લોકોએ ધડકતે હૈયે એ નિહાળ્યું હતું. ભારતીય સમય મુજબ 19 માર્ચની રાત્રે 3.27 મિનિટે ડ્રેગન સલામત રીતે એટલાન્ટિક સમુદ્ર પર લેન્ડ થયું ત્યારે લોકો ખુશીથી ઝુમી ઉઠ્યા હતા અને એ સાથે જ એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક અવકાશયાત્રાના અનેક ચઢાવ ઉતાર વાળા ઘટના ક્રમનો સુખદ અંત આવ્યો હતો.

ચહેરા પર સ્મિત સાથે સુનિતાએ હાથ હલાવી અભિવાદન કર્યું
ઉતરાણ બાદ રિકવરી ટીમે સ્પેસક્રાફ્ટનું હેચ ખોલ્યું હતું. લાંબા સમય સુધી માઇક્રો ગ્રેવિટીમાં રહેવાથી શરીરને ગુરુત્વાકર્ષણની ટેવ પાડવામાં સમય લાગે તેમ હોવાથી બંને એસ્ટ્રોનોટ્સને સ્ટ્રેચર પર બેસાડીને બહાર કાઢવામાં આવ્યા હતા.ધરતી પર પરત ફરી
ખુશખુશાલ થઈ ગયેલા સુનિતા અને બચના ચહેરા પર સ્મિત હતું અને તેમણે હાથ હલાવીને રિકવરી ટીમ અને ઉપસ્થિત લોકોનું અભિવદન કર્યું હતું.બાદમાં બંનેને બોટ દ્વારા ફ્લોરિડાના કિનારે તૈયાર રખાયેલા હેલિકોપ્ટરમાં હ્યુસ્ટન ખાતે લઈ જવામાં આવ્યા હતા અને પ્રાથમિક તબીબી તપાસ કરવામાં આવી હતી.
45 દિવસનો રિહેબ કાર્યક્રમ
બંને અવકાશયાત્રીઓને હ્યુસ્ટનના જોન્સન સ્પેસ સેન્ટરમાં 45 દિવસના રિહેબિલિટેશન પ્રોગ્રામ માટે રાખવામાં આવશે. અહીં તેમની શારીરિક તપાસ કરવાના આવશે તથા માંસપેશીઓની મજબૂતી અને હાડકાંની ઘનતાનું પુનર્વસન કરવામાં આવશે. આ દરમિયાન તેઓ પરિવારને મળી શકશે, પરંતુ સામાન્ય જનતાથી દૂર રહેશે. રિહેબ પછી, લગભગ 2025 ના મે મહિના સુધીમાં તેઓ સામાન્ય જીવનમાં પરત ફરી શકે છે.