ધાર્મિક મામલે આરએસએસ નહી પણ અમે નિર્ણયો કરીશું: ધર્માચાર્યો વિફર્યા
સંઘના નિર્ણયો નું અમારે નહીં, અમારા નિર્ણયોનું સંઘ અને વિહીપે પાલન કરવાનું હોય છે
મંદિર મસ્જિદ વિવાદ અટકાવવાની સલાહ માફક ન આવી
મંદિર મસ્જિદ વિવાદ મુદ્દે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતે આપેલા નિવેદનના સંત સમાજમાં ઘેરા પડઘા પડ્યા છે. જગતગુરુ રામભદ્રાચાર્ય સહિતના સંતોએ મોહન ભાગવત અને આરએસએસને ધર્મના મામલે દૂર રહેવાની ચેતવણી આપતા કહ્યું હતું કે ધર્મ અંગેના નિર્ણયો આરએસએસ નહીં પરંતુ સંતો કરશે.
મોહન ભાગવતે મંદિર મસ્જિદ અટકાવવાની આપેલી સલાહ સંતોને માફક નથી આવી. અખિલ ભારતીય સંત સમાજના વડા સ્વામી જીતેન્દ્રાનંદ સરસ્વતી એ કહ્યું કે ધર્મને લગતા પ્રશ્નો ઊભા થાય ત્યારે નિર્ણય કરવાનો અધિકાર ધર્માચાર્યોનો છે અને ધર્મગુરુઓ જે નિર્ણય કરે તેને સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદે અનુસરવાનું હોય છે. તેમણે કહ્યું કે મોહન ભાગવત ખુદ આરએસએસને એક સાંસ્કૃતિક સંગઠન ગણાવે છે ત્યારે ધર્મની બાબતમાં તેમણે દખલગીરી ન કરવી જોઈએ.
તેમણે વધુમાં કહ્યું કે મોહન ભાગવતે આ પહેલા પણ ભૂતકાળમાં આવા જ નિવેદનો કર્યા હતા અને તે પછી નવા 56 ધર્મસ્થાનકો મળી આવ્યા છે. તેમણે ઉમેર્યું કે અમારો કોઈ રાજકીય એજન્ડા નથી. અમે લોકોની લાગણીને ધ્યાનમાં લઈએ છીએ. સંત સમાજના આવા કડક નિવેદનને પગલે ધાર્મિક બાબતોમાં હિન્દુ સમુદાય ઉપર આરએસએસની પકડ અને એ મુદ્દે સંત સમાજની નારાજગી જેવા મુદ્દાઓ ફરી એક વખત સપાટી પર આવી ગયા છે.
જાણીતા સંત જગતગુરુ રામભદ્રાચાર્યએ આરએસએસ ના વડા મોહન ભાગવતની સત્તાને પડકારતા કહ્યું કે અમારી ઉપર આરએસએસનું અનુશાસન નથી, તેમની ઉપર અમારું છે. તેમણે ધાર્મિક નિર્ણયો સંતો પર છોડી દેવાની મોહન ભાગવતને સલાહ આપી હતી.
મોહન ભાગવતે શું કહ્યું હતું?
મંદિર મસ્જિદ વિવાદ અંગે આરએસએસના વડાએ કહ્યું હતું કે રોજ ઊઠીને નવો વિવાદ ઉભો કરવામાં આવે છે. કેટલાક લોકો માને છે કે મંદિરોના વિવાદ ઊભા કરી અને તેઓ હિન્દુ સમાજના નેતા બની જશે.
વિવિધતામાં એકતાનો સંદેશો આપતા મોહન ભાગવતે વધુમાં કહ્યું હતું કે જો ભારતે વિશ્વગુરુ બનવું હોય તો
આપણે ઘર આંગણે વિવિધ ધર્મના લોકો સાથે સહઅસ્તિત્વ ધરાવી શકીએ છીએ એ સંદેશો વિશ્વને આપવો પડશે.