અમને પાડી દેવાના તમામ પ્રયાસો પછી પણ અમે મજબુત બન્યા છીએ : ગૌતમ અદાણી
અમેરિકન કોર્ટના આરોપો બાદ ગૌતમ અદાણીએ પહેલીવાર આપ્યો પ્રત્યાઘાત
અમરિકાની કોર્ટે કાનૂની કાર્યવાહીનો આદેશ આપ્યા પછી પ્રથમ વખતે ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ છે કે, અમને નાસીપાસ કરવાના તમામ પ્રયાસો પછી અને વધુ મજબુત બનીને બહાર આવ્યા છીએ. અમે આ પહેલા પણ આવા પડકારોનો સામનો કર્યો છે અને અમે તમામ પ્રકારના નિયમોનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
જયપુરમાં યોજાયેલા એક એવોર્ડ સમારોહમાં બોલતા ગૌતમ અદાણીએ કહ્યુ હતુ કે, આજના સમયમાં સત્ય કરતા નકારાત્મકતા વધુ ઝડપે ફેલાઈ જાય છે.
તાજેતરમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ એન્ડ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને ગૌતમ અદાણી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સામે આરોપો દાખલ કર્યા હતા, જેમાં AGELના બોન્ડ ઓફરિંગ દસ્તાવેજોમાં ગેરમાર્ગે દોરનારા નિવેદનોનો આરોપ લગાવ્યો હતો. અદાણી ગ્રીન એનર્જીએ યુએસના આરોપ પછી 600-મિલિયનનો બોન્ડ ઇશ્યૂ રદ કરવો પડ્યો હતો, જેના કારણે અદાણી ગ્રુપના શેરના ભાવમાં અસ્થાયી ઘટાડો થયો હતો.
ગૌતમ અદાણીએ આ ગંભીર આરોપોને પાયાવિહોણા ગણાવીને નકારી કાઢ્યા હતા અને ભારપૂર્વક જણાવ્યું હતું કે અદાણી જૂથના કોઈપણ સભ્ય પર યુએસ ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ (FCPA) ના ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો નથી.
અદાણીએ જણાવ્યું હતું કે, વર્ષોથી, હું માનતો આવ્યો છું કે આપણે જે અવરોધોનો સામનો કરીએ છીએ તે આપણા આગળ વધવાની કિંમત છે. તમારા સપના જેટલા બોલ્ડ હશે, તેટલી વધારે દુનિયા તમારી તપાસ કરશે. જો કે, આવી તપાસ દરમિયાન તમારે ઉપર આવવાની હિંમત રાખવી પડશે. તમારામાં દુનિયાનો સામનો કરવાની હિંમત હોવી જોઈએ અને તમારા પર વિશ્વાસ હોવો જોઇએ, ભલે દુનિયા તેને જોઈ ન શકે.