ભારે વરસાદથી તાજમહેલના મુખ્ય ગુંબજમાંથી પાણી લીકેજ : કેમ્પસમાં પાણી ભરાયા, જુઓ વિડીયો
- આગ્રાના પુરાતત્વ વિભાગે કહ્યું, મુખ્ય ગુંબજમાં સીપેજને કારણે લીકેજ છે.ખાસ નુકસાન નથી
આગ્રામાં છેલ્લા ૪૮ કલાકથી અવિરત વરસાદ પડી રહ્યો છે અને ચોતરફ પાણી ભરાયા છે ત્યારે વિશ્વ પ્રસિદ્ધ અને અજાયબી એવા તાજ મહેલનાં મુખ્ય ગુંબજમાંથી પણ પાણી પાડવા લાગ્યું છે. તાજ પરિસરમાં પાણી ભરાયા છે અને ગાર્ડન ડૂબી ગયો છે. તાજમહેલ પરિસરમાં ડૂબી ગયેલા બગીચાનો કથિત વીડિયો વાયરલ થયો હતો અને તેણે પ્રવાસીઓનું ધ્યાન ખેંચ્યું હતું.
જો કે, આગ્રા સર્કલના ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ **(ASI)ના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મુખ્ય ગુંબજમાં સીપેજને કારણે લીકેજ છે અને તેને કોઈ નુકસાન થયું નથી.
તાજમહેલના મુખ્ય ગુંબજમાં લીકેજ વિશે વાત કરતા, આગ્રા સર્કલના ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)ના અધિક્ષક વડા રાજકુમાર પટેલે કહ્યું, “હા, અમે તાજમહેલના મુખ્ય ગુંબજમાં લીકેજ જોયા છે. ત્યાર બાદ જ્યારે અમે તપાસ કરી તો તે સીપેજને કારણે હતું અને મુખ્ય ગુંબજને અમે ડ્રોન કેમેરા દ્વારા ચેક કર્યું છે.
ઇન્ટરનેટ પર 20 સેકન્ડનો એક કથિત વીડિયો વાયરલ થયો હતો જેમાં સ્મારકનો એક બગીચો વરસાદના પાણીમાં ડૂબી ગયો હતો. આ દ્રશ્યએ પ્રવાસીઓનું ધ્યાન ખેંચ્યું હતું અને તેનો વિડીયો બનાવ્યો હતો. આગ્રા માટે સરકાર માન્ય ગાઈડ મોનિકા શર્માએ કહ્યું છે કે, “સ્મારકની યોગ્ય કાળજી લેવી જોઈએ કારણ કે પ્રવાસન ઉદ્યોગના લોકો માટે તે એકમાત્ર આશા છે,”
આગરામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ પડ્યો છે જેના કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી શકે છે.આગ્રા પ્રશાસને વરસાદને કારણે તમામ શાળાઓને બંધ કરવાનો આદેશ આપ્યો છે.
